રાધનપુરના મોટા ઠાકોરવાસ વિસ્તારમાં અવાડામાં પાણીની સમસ્યાનો આવ્યો અંત..

અરગોસર તળાવ નજીક આવેલા અવાડામાં પાણી છોડાવાયું, યુવાનો દ્વારા સેવાકીય સ્વચ્છતા અભિયાન યોજાયું
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
રાધનપુર શહેરના મોટા ઠાકોરવાસ વિસ્તારમાં અરગોસર તળાવ નજીક આવેલ અવાડામાં લાંબા સમયથી પાણીની અછત સર્જાતા સ્થાનિક રહીશો તેમજ ગૌમાતા માટે ભારે મુશ્કેલી ઉભી થઈ હતી. ગરમીના દિવસોમાં અવાડું સુકાઈ જતાં આસપાસના પશુપાલકો અને સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી હતી. વિસ્તારમાં રહેલા પશુઓને પીવાના પાણી માટે દૂર દૂર ભટકવાની ફરજ પડતી હતી, જેના કારણે લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી હતી.
આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખી વિસ્તારના નગરસેવક જયાબેન ઠાકોર દ્વારા રાધનપુર નગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરી આજે અવાડામાં પાણી છોડાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાણી પહોંચતા સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને પશુપાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
માત્ર પાણી છોડાવવાની કામગીરી પૂરતી સીમિત ન રહી, પરંતુ લાંબા સમયથી અવાડાની અંદર જમા થયેલ કચરો, ગંદકી અને ઝાંખર દૂર કરવા વિશેષ સેવાકીય સ્વચ્છતા અભિયાન પણ યોજાયું હતું. યુવાનો દ્વારા સ્વયંસ્ફૂર્ત રીતે જોડાઈ અવાડાની સફાઈ કરી આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મહેનત કરવામાં આવી હતી. સફાઈ અભિયાન દરમિયાન ગંદકી દૂર કરી અવાડાને ફરી ઉપયોગલાયક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ સેવાકીય અને સ્વચ્છતા અભિયાનમાં GKTS મીડિયા સેલના કિશનભાઈ ઠાકોર, જીતભાઈ ઠાકોર, ચેહરાભાઈ ભરવાડ સહિત અનેક યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. યુવાનો દ્વારા કરવામાં આવેલી સેવાકીય કામગીરીને સ્થાનિક લોકોએ પણ બિરદાવી હતી. સમાજહિતના કાર્યોમાં યુવાનોની ભાગીદારી અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.
નગરસેવક જયાબેન ઠાકોરે સેવાકીય કાર્યમાં સહભાગી બનેલા તમામ યુવાનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગૌમાતા, પશુઓ તેમજ સ્થાનિક રહીશોને જરૂરી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ સૌની સંયુક્ત જવાબદારી છે. સમાજના લોકો સાથે મળીને આવા સેવાકીય કાર્યો કરશે તો સ્વચ્છતા અને સુવિધા બંને જાળવી શકાય તેમ છે.
સ્થાનિક લોકોએ પણ નગરપાલિકા તથા સેવાકીય કાર્યમાં જોડાયેલા યુવાનોનો આભાર વ્યક્ત કરી આગામી સમયમાં પણ આવી જ ઝડપી કામગીરી કરવામાં આવે તેવી માંગણી વ્યક્ત કરી હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
