પાટણમાં પત્રકારો સાથે પોલીસ ની દાદાગીરી,કલેક્ટરને આવેદન

પાટણમાં પત્રકારો સાથે પોલીસની ગેરવર્તણૂક સામે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લામાં પત્રકારો સાથે પોલીસ દ્વારા કરવામાં આવતી દમનકારી અને અસભ્ય વલણ સામે પાટણ જિલ્લા પત્રકાર મિત્રો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પાટણ જિલ્લા મથક ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમનું કવરેજ કરી રહેલા પત્રકારોને અચાનક બી ડિવીઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પત્રકારો દ્વારા પોતાની ઓળખ આપવા છતાં અને ધારાસભ્યશ્રીઓ દ્વારા પણ રજૂઆત કરવા છતાં પાટણ એસ.ઓ.જી. પી.એસ.આઈ. .ડી. કે ચૌધરી તથા બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. નીરવ શાહ દ્વારા પત્રકારો સાથે અત્યંત અસભ્ય અને ગેરવર્તણૂક કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, પોલીસ અધિકારીઓ દ્વારા મીડિયાકર્મીઓ સાથે ધક્કામુકી કરી કેમેરા બંધ કરાવવાની અને ગેરકાયદેસર રીતે અટકાયત કરવાની ઘટના સામે આવી છે. પત્રકારો કોઈ આતંકવાદી કે ગુનેગાર ન હોવા છતાં તેમની સાથે કરવામાં આવેલું આ પ્રકારનું ગેરવર્તન લોકશાહીના ચોથા સ્તંભ પર સીધો પ્રહાર સમાન છે. પત્રકારો પોતાની ફરજ નિભાવી રહ્યા હોય ત્યારે પોલીસ દ્વારા કરાતી આવી ગેરવર્ણૂકથી સમગ્ર પત્રકાર આખામાં ભારે રોષ પ્રસર્યો છે.
પાટણ જિલ્લા પત્રકાર આલમ દ્વારા આ ઘટનાની ઉચ્ચસ્તરેથી તપાસ કરાવી, જવાબદાર પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક અસરથી સસ્પેન્શન કે અન્ય કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. જો આગામી દિવસોમાં આ મામલે કોઈ સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે, તો પત્રકાર જગત દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
