સિદ્ધપુરની ધારીવાલા ફૂડ્સ પર તંત્રના દરોડા.

રૂ. 1.24 લાખનો શંકાસ્પદ ખાદ્ય જથ્થો સીઝ, બચ્ચો કા પાસ્તા, સિઝનીગ મસાલા સહિત 7 નમૂના લેબોરેટરીમાં મોકલાયા.
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સિદ્ધપુર GIDCમાં આવેલા મે. ધારીવાલા ફૂડ્સ પર ખાદ્ય સુરક્ષા તપાસ અભિયાન અંતર્ગત દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી આશરે રૂ. 1,24,260ની કિંમતનો 1117 કિલોગ્રામ અને 792 નંગ શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
ફૂડ સેફ્ટી ઓફિસર્સ એન. જે. ત્રિવેદી અને એલ. એન. ફોફની ટીમે સિદ્ધપુર GIDCના પ્લોટ નંબર 200 પર આવેલા લાલાણી જાવેદ સમસુદ્દીન સંચાલિત આ એકમમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બચ્ચો કા પાસ્તા, ફ્રાઈમ્સ મસાલા, સિઝનીગ મસાલા, પાસ્તા મસાલા, રિંગ ફ્રાયમ્સ અને રિફાઈન્ડ પામોલીન તેલ સહિત કુલ 7 ખાદ્ય નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા.

સીઝ કરાયેલા જથ્થામાં 1117 કિલોગ્રામ વિવિધ ખાદ્ય સામગ્રી અને બચ્ચો કા પાસ્તાના 792 પેકેટનો સમાવેશ થાય છે, જેની કુલ અંદાજિત કિંમત રૂ. 1,24,260 છે. આ જથ્થો શંકાસ્પદ જણાતા તેને જપ્ત કરી સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન એકમમાં ખાદ્ય સુરક્ષાના માપદંડોને લગતી કેટલીક ગંભીર ખામીઓ પણ જોવા મળી હતી. જેને પગલે ફૂડ બિઝનેસ ઓપરેટરને સ્થળ પર જ સુધારા કરવા માટે નોટીસ ફટકારવામાં આવી હતી. તમામ એકત્ર કરાયેલા નમૂનાઓને સત્તાવાર પૃથ્થકરણ અહેવાલ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. લેબોરેટરી પરીક્ષણનો અહેવાલ મળ્યા બાદ FSSAI, 2006ની જોગવાઈઓ અનુસાર સંબંધિત એકમ અને સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
