રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
આસ્થાનું અવિરત ધામ : રાધનપુરનું શ્રી રાપરીયા હનુમાનજી મંદિર બન્યું હજારો શ્રદ્ધાળુઓની શ્રદ્ધાનું કેન્દ્ર
દર શનિવારે ગુજરાતભરમાંથી ઉમટે છે હજારો ભાવિકો, ખીચડી-છાસના પ્રસાદ સાથે સેવા અને ભક્તિનો અનોખો સંગમ
પાટણ જિલ્લાના રાધનપુર-મહેસાણા હાઈવે પર આવેલું શ્રી રાપરીયા હનુમાનજી મંદિર આજે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પવિત્ર ધામ બની ગયું છે. પ્રાકૃતિક અને શાંત વાતાવરણ વચ્ચે આવેલું આ મંદિર ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનોખો અનુભવ કરાવે છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવે છે, જ્યારે દર શનિવારે હજારો શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડતા સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાય છે.
સ્થાનિક લોકો આ પવિત્ર ધામને પ્રેમથી “મીની બગદાણા” તરીકે પણ ઓળખાવે છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પરિવાર સાથે લોકો અહીં દર્શન અને આશીર્વાદ લેવા પહોંચે છે. મંદિર ખાતે દર્શન ઉપરાંત સેવાભાવની અનોખી પરંપરા પણ વર્ષોથી જળવાઈ રહી છે.
દર શનિવારે મંદિર ખાતે શ્રદ્ધાળુઓ માટે ખીચડી અને છાસનો પ્રસાદ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. સેવામાં જોડાયેલા સ્વયંસેવકો અને ટ્રસ્ટના કાર્યકરો ભક્તોને પ્રેમપૂર્વક પ્રસાદ પીરસતા હોવાથી અહીં આવનાર દરેક વ્યક્તિને ભક્તિ સાથે માનવીય સેવાનો પણ અનુભવ થાય છે.
મંદિરનું સંચાલન શ્રી રાપરિયા વઢીયાર ચેરીટેબલ ટ્રસ્ટ, રામાનંદી સાધુ સમાજ દ્વારા કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ પણ સમયાંતરે યોજવામાં આવે છે, જેના કારણે આ સ્થાન માત્ર મંદિર નહીં પરંતુ સમાજસેવાનું પણ એક પ્રેરણાદાયી કેન્દ્ર બની રહ્યું છે.
રાધનપુર વિસ્તારમાં આવેલું આ આસ્થાધામ આજે હજારો લોકો માટે શ્રદ્ધા, વિશ્વાસ અને સેવાભાવનું પ્રતિક બની ગયું છે. શનિવારના દિવસે મંદિર પરિસરમાં “જય હનુમાન”ના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાતું હોય છે અને દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ હનુમાનજીના દર્શન કરીને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
