સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!

સમી તાલુકાનું અનોખું ગામ ગોચનાદ, જ્યાં ગામની વહુઓ પિયર નહીં પરંતુ સાસરિયામાં જ રમે છે કાનુડો!
ગોચનાદ ગામમાં વહુઓ પિયર નહીં, સાસરે જ રમે છે કાનુડો: વર્ષો જૂની પરંપરા જાળવી રાખી ગામલોકોએ એકતા સાથે કરી જન્માષ્ટમીની ઉજવણી
વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા આજે પણ જળવાઈ રહી છે
કેપિટલ મેસેજ
Capital message
સમી તાલુકાના ગોચનાદ ગામમાં જન્માષ્ટમીની ઉજવણી માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતી સીમિત નથી, પરંતુ અહીં વર્ષોથી ચાલી આવતી એક અનોખી પરંપરા પણ જોવા મળે છે.
સામાન્ય રીતે અનેક ગામોમાં જન્માષ્ટમીના પર્વે વહુવારુઓ પોતાના પિયર જઈને કાનુડો રમતી હોય છે. પરંતુ ગોચનાદ ગામની પરંપરા કંઈક અલગ છે. અહીં ગામની વહુવારુઓ કાનુડો રમવા માટે પોતાના પિયર જતી નથી, પરંતુ સાસરિયામાં જ રહીને કાનુડાની ઉજવણી કરે છે.
વર્ષોથી ચાલી આવતી આ અનોખી પરંપરા આજે પણ ગ્રામજનો દ્વારા જાળવી રાખવામાં આવી છે. જન્માષ્ટમીના પાવન પર્વે ગામની વહુવારુઓ સહિત તમામ સમાજના લોકો એકસાથે મળી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરે છે.

આ વર્ષે પણ સમગ્ર ગોચનાદ ગામ “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી” ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ગામના વિવિધ વિસ્તારો અને મહોલ્લાઓમાં ગ્રામજનો દ્વારા મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા. દર વર્ષે ગામમાં અંદાજે 7થી 8 જેટલા સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમ યોજાય છે.
દરબારવાસ, રબારીવાસ, ભરવાડવાસ, ચૌધરીવાસ, ઠાકોરવાસ સહિતના વિસ્તારોમાં ડીજેના તાલ સાથે શોભાયાત્રા અને મટકી ફોડ કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર આયોજનમાં દરેક સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
ત્યારબાદ ગામના રામચોક મંદિરના ચોકમાં આરએસએસ એટલે કે સંઘના કાર્યકર્તાઓ અને યુવાનો દ્વારા વિશેષ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. યુવાનો દ્વારા માનવ પિરામિડ બનાવી મટકી ફોડવામાં આવી હતી, જેને નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.
ગામમાં યોજાયેલી ભવ્ય નગરયાત્રા અને શોભાયાત્રામાં અંદાજે 1,500થી 2,000 જેટલા લોકો જોડાયા હતા. અંતે ભગવાન શ્રીકૃષ્ણની આરતી અને પૂજન કરી જન્માષ્ટમી મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.
આમ, ગોચનાદ ગામે એકતા, ભાઈચારો અને વર્ષો જૂની અનોખી પરંપરા સાથે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરી હતી.
રિપોર્ટ . અનિલ રામાનુજ પાટણ
