શ્રાવણ માસનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક જોડાણ :
કેપિટલ મેસેજ
Capital message
શ્રાવણ માસ હિન્દુ પંચાંગનો અત્યંત પવિત્ર અને ધાર્મિક મહિનો છે, જે ભગવાન શિવની આરાધના, રુદ્રાભિષેક અને ઉપવાસ માટે સમર્પિત છે. આ માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ આયુર્વેદ, શરીરવિજ્ઞાન અને મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી પણ અત્યંત વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યવર્ધક છે.
શ્રાવણ માસ, શિવપૂજા અને ઉપવાસના વૈજ્ઞાનિક અને આરોગ્યપ્રદ કેટલાંક તારણો :
1. ઋતુચક્ર અને પાચનશક્તિ :
શ્રાવણ માસ સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં આવે છે. આ સમય દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે આપણા શરીરની જઠરાગ્નિ (પાચનશક્તિ) મંદ પડી જાય છે.
ઉપવાસના ફાયદા: આયુર્વેદ અનુસાર, આ સમયે હળવો ખોરાક લેવો અથવા ઉપવાસ કરવો ઉત્તમ છે. ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે, ઉપવાસમાં ફરાળી અને હલકો ખોરાક ગ્રાહ્ય છે. શરીરમાં જામેલ વિશુદ્ધીઓ દૂર થાય છે અને એસિડિટી કે પેટના રોગો સામે રક્ષણ મળે છે. એટલે જલ્દી બીમારી આવતી નથી.
2. આહાર નિયંત્રણ અને શુદ્ધિકરણ :
શ્રાવણ માસમાં લસણ, ડુંગળી, તામસિક ખોરાક, નોન-વેજ અને ભારે વાનગીઓનો ત્યાગ કરવામાં આવે છે. આ તમામ ચીજો પચવામાં ભારે હોય છે અને શરીરમાં પિત્ત કે કફ વધારી શકે છે.
ફળાહાર, દૂધ, છાશ, સાબુદાણા અને સેંધા નમકવાળો હળવો સાત્વિક આહાર શરીરના અંદરના અંગોને ડિટોક્સ કરે છે, જે લોહીની શુદ્ધિ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ઉપવાસમાં ભૂખ્યા રહેવું જરૂરી નથી.
3. જળવાયુ પરિવર્તન અને સ્વાસ્થ્ય રક્ષણ :
ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગો અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ સૌથી વધુ હોય છે.તેથી મોટાભાગે લોકો દાઢી અને વાળ કપાવવાનું ટાળે છે બ્લેડ વાગવાથી અથવા અન્ય કોઈનું ઇન્ફેકશન થવાની શક્યતા રહેલ છે. ઉપવાસ દરમિયાન બહારનું ખાવાનું ટાળવું જોઈએ.ઉપવાસ શરીર અને મનની સ્ફૂર્તિ માટે છે એનાથી અન્ય કોઈ પુણ્ય મળવાનું નથી. દાઢી અને વાળ વધારીને એ સંદેશ આપવાનો છે કે બહારની સુંદરતા નહી પરંતુ અંદરની વિચારોની ,વ્યવહારની સુંદરતા સારી જોઈએ. એટલેકે બાહ્ય દેખાવમાં અને દેખાદેખીમાં ભક્તિ નથી.
4. શિવ પૂજા અને માનસિક સ્વાસ્થ્ય :
શ્રાવણ માસમાં મંદિરોમાં શિવલિંગ પર જળ, દૂધ, બિલીપત્ર અને ધતુરો ચડાવાય છે. મંદિરોમાં શંખનાદ, મંત્રોચ્ચાર (‘ૐ નમઃ શિવાય’) અને ઘંટારવથી એક ખાસ પ્રકારની સોનિક કંપનો ઉત્પન્ન કરવામાં આવે છે.
માનસિક શાંતિ : આ શંખનાદ અને ધ્વનિ યંત્રોમાંથી ઉત્પન્ન થયેલ ધ્વનિ તરંગો (ઘોંઘાટ નહિ ) હકારાત્મક હોર્મોસનું પ્રમાણ વધારે છે અને માનસિક એકાગ્રતા વધારવામાં મદદ કરે છે.
5. જળ અને પ્રકૃતિ સાથે જોડાણ :
શિવલિંગ પર જળ કે દૂધની સતત ધારા/અભિષેક કરવાથી મનને અત્યંત શીતળતા અને શાંતિ મળે છે.પાર્થેશ્વર પૂજાથી બનાવેલ શિવલિંગ જળમાં પધરાવતાં તેમાં જોડેલ અનાજ અને કથોલથી અન્ય જીવ સૃષ્ટિને પોષણ મળે છે.
આ વૈજ્ઞાનિક રીતે સાબિત છે કે પાણી અને પ્રકૃતિની નજીક રહેવાથી અથવા તેના સ્પર્શથી હાઇપરટેન્શન અને તણાવ ઘટે છે.
નિષ્કર્ષ :
આપણા ઋષિમુનિઓએ વિજ્ઞાનને ધર્મ સાથે જોડીને વૈદિક પરંપરાઓ બનાવી હતી. શ્રાવણ માસના ઉપવાસ અને શિવ પૂજા એ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ બદલાતી ઋતુમાં શારીરિક સ્વાસ્થ્ય જાળવવાની, મનને નિયંત્રિત કરવાની અને શરીરને શુદ્ધ કરવાની એક ઉત્તમ વૈજ્ઞાનિક જીવનશૈલી છે.આ તમામ મુદાઓને ધાર્મિકતાનો વૈજ્ઞાનિક અનુબદ્ધ છે જેમાં તહેવારનું મહત્વ ખોજ જ્ઞાનનો સંદ્ભ લીધેલ છે. દરેક તહેવારની મહિમા તેના વૈજ્ઞાનિક , શારીરિક અને મનોવિજ્ઞાન પાસાઓનો અનુબદ્ધ રજુ કરે છે.શિવ તત્વને નીરખવા અધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો સમન્વય થવો જોઈએ.
સંકલન : ડૉ.ઝુઝારસંગ એન.સોઢા (આચાર્ય) પી.પી.જી.એક્સપેરીમેન્ટલ હાઇસ્કૂલ,પાટણ
