સિદ્ધપુર: ભારત વિકાસ પરિષદ દ્વારા અભિનવ હાઈસ્કૂલમાં ‘ગુરુ વંદન – છાત્ર અભિનંદન’ કાર્યક્રમ યોજાયો

ભારતીય ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવાયું, વિદ્યાર્થીઓના સંસ્કાર અને શિસ્તને બિરદાવાયા
સિદ્ધપુરમાં ભારત વિકાસ પરિષદ, સિદ્ધપુર શાખા દ્વારા વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી વિદ્યોત્તેજક મંડળ સંચાલિત શ્રી અભિનવ હાઈસ્કૂલ ખાતે ‘ગુરુ વંદન – છાત્ર અભિનંદન’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના ગુજરાત પ્રાંતના મંત્રી ઉર્વેશભાઈ પંડ્યા, ઉત્તર ગુજરાત પ્રાંત મંત્રી સુનીલભાઈ પરીખ તેમજ વિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉ. રૂપેશભાઈ ભાટિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વંદે માતરમ્ ગાન સાથે મહેમાનોનો પરિચય કરાવી અભિનવ દર્શન અંક અને પુસ્તક અર્પણ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ તમામ ગુરુજનો અને શિક્ષિકાઓનું તિલક કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાથે જ ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વ પર પ્રેરણાદાયી વક્તવ્ય અને ગુરુ ભક્તિ દર્શાવતા ભજનો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. શિક્ષિકા ચેતનાબેન અનાવાડિયાએ “પાયો જી મેંને…” ભજનની ભાવપૂર્ણ રજૂઆત કરી હતી, જ્યારે શિક્ષક કાનજીભાઈએ ગુરુ-શિષ્યના સંબંધનું મહત્વ સમજાવતો પ્રેરક પ્રસંગ રજૂ કરીને ભજન ગાયું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ ઉર્વેશભાઈ પંડ્યાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભારતની ગુરુ પરંપરા પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ધરોહર છે. તેમણે પ્રેરક પ્રસંગો દ્વારા ગુરુના મહિમાનું વર્ણન કરી વિદ્યાર્થીઓને જીવનમાં સંસ્કાર અને શિક્ષણના મૂલ્યો અપનાવવાની પ્રેરણા આપી હતી. તેમણે અભિનવ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી હતી.
કાર્યક્રમના અંતે શિક્ષક રશ્મિનભાઈએ આભારવિધિ વ્યક્ત કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા શીતલબેને કર્યું હતું. કલ્યાણ મંત્ર અને પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાલયના તમામ શિક્ષકો અને ભારત વિકાસ પરિષદના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
