સિદ્ધપુર : સદાબહાર ગ્રુપ સંચાલિત ‘શ્રી અન્નપૂર્ણા રસોડું’ની ત્રણ મહિનાની અવિરત સેવાયાત્રા પૂર્ણ

માત્ર રૂ. 20ના ટોકનમાં ભોજન, ઉપવાસના દિવસે ફરાળી વાનગી અને દાતાઓના સહયોગથી મીઠાઈનો પ્રસાદ; પૂર્ણાહુતિ પ્રસંગે 225થી વધુ લોકોએ લીધો પ્રસાદનો લાભ
કેપિટલ મેસેજ
Capital message
સિદ્ધપુરમાં સદાબહાર ગ્રુપ દ્વારા સંચાલિત ‘શ્રી અન્નપૂર્ણા રસોડું’ની ત્રણ મહિનાની અવિરત સેવાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમાજસેવાના ઉત્તમ ઉદાહરણરૂપ આ રસોડાએ સતત ત્રણ મહિના સુધી જરૂરિયાતમંદો, શ્રમિકો, મુસાફરો તેમજ સામાન્ય નાગરિકોને માત્ર રૂ. 20ના ટોકનમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન ઉપલબ્ધ કરાવી માનવસેવાનો અનોખો સંદેશ આપ્યો હતો.
રસોડામાં દરરોજ ખીચડી-કઢી સહિતનું ભોજન પીરસવામાં આવતું હતું. ઉપવાસના દિવસોમાં ફરાળી વાનગીઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હતી. ઉપરાંત વિવિધ દાતાશ્રીઓના સહયોગથી અમુક દિવસોએ મીઠાઈનો પ્રસાદ પણ પીરસવામાં આવતો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો આ સેવાનો લાભ લઈ શક્યા હતા.
તા. 31 જુલાઈ, 2026ના રોજ યોજાયેલી સેવાયજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે 225થી વધુ પ્રસાદાર્થીઓએ પ્રસાદીનો લાભ લીધો હતો. આ અવસરે સમગ્ર સેવાકાર્યને સફળ બનાવવા માટે નિઃસ્વાર્થ સેવા આપનાર સેવાભાવી મિત્રો, દાતાઓ, સહયોગી સંસ્થાઓ તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા તમામ શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આયોજકોએ જણાવ્યું હતું કે શ્રી અન્નપૂર્ણા રસોડું માત્ર ભોજન વિતરણનો કાર્યક્રમ નહોતો, પરંતુ માનવતા, કરુણા અને સેવાભાવને જીવંત રાખવાનો પવિત્ર સેવાયજ્ઞ હતો. સમાજના વિવિધ વર્ગોના સહયોગ, વિશ્વાસ અને આશીર્વાદથી આ સેવા સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકી છે.
કાર્યક્રમના અંતે અન્નપૂર્ણા માતાજીના આશીર્વાદથી સૌના સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત સેવાભાવ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. “સેવા પરમો ધર્મ” ના સંદેશને સાકાર કરતી આ પહેલ સિદ્ધપુર શહેરમાં માનવસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર , પાટણ
