સરવા ગામે દેશી દારૂના અડ્ડાઓ પર ગ્રામજનોની જનતા રેડ

ચાર ગામોના નાગરિકો એકઠા થયા, 7થી 8 હજાર લિટર દેશી દારૂનો જથ્થો અને ભઠ્ઠીઓનો નાશ કરાયો
કેપિટલ મેસેજ
Capital message
પાટણ: પાટણ તાલુકાના સરવા ગામે ગેરકાયદેસર દેશી દારૂની પ્રવૃત્તિઓ સામે ગ્રામજનોએ જનતા રેડ કરી હતી. સરવા સહિત આસપાસના ચાર ગામોના જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ દેશી દારૂના ગેરકાયદેસર અડ્ડાઓ પર અચાનક દરોડો પાડી કાર્યવાહી કરી હતી. ગ્રામજનોની આ સંયુક્ત કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો તેમજ દારૂ બનાવવાની ભઠ્ઠીઓ મળી આવતા સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો.
પાટણ પંથકમાં દેશી દારૂના વધતા દૂષણ અને અસામાજિક તત્ત્વોની પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવવાના હેતુથી સરવા, નોરતા, આંબલીયાસણ અને હમીદપુરા ગામના નાગરિકો એકઠા થયા હતા. ચારેય ગામના લોકોએ એકતા દર્શાવી ગેરકાયદેસર રીતે ચાલતા દેશી દારૂના અડ્ડાઓ સામે સંયુક્ત રીતે જનતા રેડ કરી હતી. આ દરમિયાન દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતી ભઠ્ઠીઓ તથા મોટા પ્રમાણમાં તૈયાર અને કાચો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જનતા રેડ દરમિયાન ગ્રામજનોના જણાવ્યા મુજબ અંદાજે 7,000થી 8,000 લિટર જેટલો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત દારૂ બનાવવાની ભઠ્ઠીઓ અને અન્ય કાચો-પાકો મુદ્દામાલ પણ સ્થળ પરથી મળી આવ્યો હતો. સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ.4થી 5 લાખ જેટલી હોવાનું જણાવાયું હતું.

ગ્રામજનોએ સ્થળ પર જ મળી આવેલો દેશી દારૂ ઢોળી નાખી નષ્ટ કર્યો હતો, જ્યારે દારૂ બનાવવાની ભઠ્ઠીઓ સહિતના અન્ય સામાનનો પણ નાશ કરવામાં આવ્યો હતો. ચાર ગામોના નાગરિકોએ એકસાથે મળીને કરેલી આ કાર્યવાહીને કારણે વિસ્તારમાં દેશી દારૂના ગેરકાયદેસર ધંધા સામે લોકોમાં રહેલો આક્રોશ પણ સામે આવ્યો હતો.
ગ્રામજનોની આ કાર્યવાહી બાદ હવે દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગ્રામજનોનું કહેવું છે કે ગામડાઓમાં દેશી દારૂના અડ્ડાઓના કારણે યુવાનો સહિત અનેક પરિવારોને તેની અસર ભોગવવી પડે છે. આવા ગેરકાયદેસર ધંધા સામે સતત કાર્યવાહી કરવામાં આવે તો અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવામાં મદદ મળી શકે છે.
આ સમગ્ર ઘટનામાં ચાર ગામોના નાગરિકોએ એકજૂથ બની દેશી દારૂના દૂષણ સામે ઉઠાવેલો અવાજ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
