પાટણમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન બન્યો જનઆક્રોશનું કારણ, લોકો રસ્તા પર ઉતર્યા

ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોનો પદ્મનાથ ચોકડી પર ચક્કાજામ, ભાજપના જ પાલિકા સદસ્યો પણ પ્રજાના વિરોધમાં જોડાયા; હાઈવે પર વાહનોની લાંબી કતારો
કેપિટલ મેસેજ
Capital message
પાટણ : પાટણ શહેરમાં છેલ્લા 8થી 9 મહિનાથી વિકટ બનેલી ભૂગર્ભ ગટર અને ગંદા પાણીના નિકાલની સમસ્યાને લઈને લોકોનો આક્રોશ હવે રસ્તા પર ફાટી નીકળ્યો છે. મિરાં દરવાજા, સાંઈબાબા નગર, પદ્મનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. નગરપાલિકા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવતા સ્થાનિકોએ પદ્મનાથ ચોકડી ખાતે ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
આ ચક્કાજામની સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે જનતાની સમસ્યાને લઈને ભાજપના જ પાલિકા સદસ્યો મનોજ ઠાકોર અને નવીન પ્રજાપતિ પણ સ્થાનિકો સાથે વિરોધમાં જોડાયા હતા. શાસક પક્ષના જ પાલિકા સદસ્યો પ્રજાની સમસ્યા માટે રસ્તા પર ઉતરી આવતા નગરપાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ મિરાં દરવાજા, સાંઈબાબા નગર, પદ્મનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા છે. ગટરનું ગંદુ પાણી રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં ભરાઈ રહેતા લોકોનું અવરજવર કરવું મુશ્કેલ બન્યું છે. દુર્ગંધ અને ગંદકીના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવતા અંતે લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ કરવાની ફરજ પડી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.
શાસક પક્ષના જ સદસ્યોનો તંત્ર સામે આક્રોશ

વિરોધ દરમિયાન વોર્ડ નંબર 11ના ભાજપના પાલિકા સદસ્યો મનોજ ઠાકોર અને નવીન પ્રજાપતિ પણ સ્થાનિકોની સાથે ઉભા રહ્યા હતા. પાલિકા સદસ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પ્રજાની સમસ્યા અંગે રજૂઆતો કરવા છતાં અધિકારીઓ દ્વારા યોગ્ય ગંભીરતા દાખવવામાં આવતી નથી.
જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી સુધી રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવ્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ચીફ ઓફિસર દ્વારા મનમાની કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. ખાસ કરીને શાસક પક્ષના જ સદસ્યો જો પ્રજાની સમસ્યા લઈને રસ્તા પર ઉતરવા પડે તો નગરપાલિકા તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે તેવી ચર્ચા પણ સ્થળ પર જોવા મળી હતી.
પદ્મનાથ ચોકડી પર ચક્કાજામથી હાઈવે પર ટ્રાફિક જામ
સ્થાનિકો અને પાલિકા સદસ્યોના વિરોધ વચ્ચે પદ્મનાથ ચોકડી ખાતે નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેના પગલે હાઈવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ઘટનાની જાણ થતાં તંત્ર દોડતું થયું હતું. પાટણના પ્રાંત અધિકારી જેનીશ પાંડવ સ્થળ પર પહોંચ્યા હતા અને ગટરનું ગંદુ પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ધારાસભ્ય અને પ્રાંત અધિકારી વચ્ચે સ્થળ પર ચર્ચા
દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલ પણ સ્થળ પર પહોંચ્યા હતા. ગટર સમસ્યાને લઈને ધારાસભ્ય અને પ્રાંત અધિકારી વચ્ચે સ્થળ પર ચર્ચા થઈ હતી. સ્થાનિકો દ્વારા પણ અધિકારી સમક્ષ પોતાની સમસ્યાઓ અને લાંબા સમયથી ચાલી રહેલી પરેશાની રજૂ કરવામાં આવી હતી.
પ્રાંત અધિકારીએ રોડ અને રહેણાંક વિસ્તારોમાં ભરાયેલા ગંદા પાણીનો તાત્કાલિક નિકાલ કરવાની ખાતરી આપી હતી. સાથે જ શહેરમાં GUDCનું કામ ચાલી રહ્યું હોવાથી આગામી સમયમાં ભૂગર્ભ ગટર સંબંધિત સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
તાત્કાલિક નિકાલ નહીં, કાયમી ઉકેલની માંગ

તંત્ર દ્વારા તાત્કાલિક ગંદા પાણીના નિકાલની ખાતરી આપવામાં આવી હોવા છતાં સ્થાનિકોનો રોષ સંપૂર્ણપણે શાંત થયો નથી. લોકોની મુખ્ય માંગ માત્ર હાલ ભરાયેલા ગંદા પાણીના નિકાલ પૂરતી નહીં પરંતુ છેલ્લા 8થી 9 મહિનાથી ચાલી રહેલી ભૂગર્ભ ગટર સમસ્યાનો કાયમી અને વ્યવસ્થિત ઉકેલ લાવવાની છે.
સ્થાનિકો દ્વારા ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધવા અને જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં ગટર સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
પાટણમાં ભૂગર્ભ ગટર જેવી પાયાની સુવિધાનો પ્રશ્ન હવે માત્ર સ્થાનિકોની મુશ્કેલી પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ શાસક પક્ષના જ પાલિકા સદસ્યોને પ્રજાની સાથે રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. ત્યારે નગરપાલિકા તંત્ર આ સમસ્યાનો ક્યારે અને કેવી રીતે કાયમી ઉકેલ લાવે છે તેના પર હવે સૌની નજર મંડાઈ છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
