પાટણમાં દિવાસા પર્વે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાંથી દેવીપૂજકો ઉમટ્યા

અષાઢ વદ ચૌદસે પાટણની સ્મશાનભૂમિમાં શ્રદ્ધાનો મહાસંગમ: 30થી વધુ બસોમાં હજારો સમાજજનો પહોંચ્યા, સાત પેઢીથી ચાલી આવતી પૂર્વજ સ્મરણની પરંપરા જળવાઈ
કેપિટલ મેસેજ
Capital message
પાટણ શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ અષાઢ વદ ચૌદસના પવિત્ર દિવસે દેવીપૂજક-પટણી સમાજના મહાપર્વ ‘દિવાસા’ની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વજોના સ્મરણ, પરિવારની લાગણી, સમાજની એકતા અને સેવાભાવ સાથે જોડાયેલા આ અનોખા પર્વમાં ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં સમાજજનો પાટણ પહોંચ્યા હતા. વિવિધ વિસ્તારોમાંથી 30થી વધુ બસો મારફતે પણ શ્રદ્ધાળુઓ પાટણ આવ્યા હતા, જેના કારણે શહેરની સ્મશાનભૂમિ અને આસપાસના વિસ્તારોમાં દિવસભર શ્રદ્ધા અને લાગણીસભર માહોલ જોવા મળ્યો હતો.
પાટણ સાથે દેવીપૂજક સમાજની ઐતિહાસિક આસ્થા
દેવીપૂજક સમાજ સાથે પાટણનું ઐતિહાસિક અને લાગણીસભર જોડાણ માનવામાં આવે છે. સમાજના અનેક પરિવારોના પૂર્વજોની અંતિમક્રિયા પાટણ ખાતે થઈ હોવાથી દેશ-વિદેશ તેમજ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વસતા સમાજજનો અષાઢ વદ ચૌદસે પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા પાટણ આવે છે.
પાટણ ખાતે પ્રથમ દિવાસો ઉજવ્યા બાદ અષાઢ વદ અમાસના દિવસે લોકો પોતાના વતન અને વસવાટના સ્થળોએ આ પર્વની ઉજવણી કરે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ નવી પેઢી સુધી જળવાઈ રહી છે.
સમાધિ પર દીવો-અગરબત્તી પ્રગટાવી ભાવભીની અંજલિ

પાટણ શહેરના ફુલણીયા હનુમાન મંદિર નજીક બકરાતપુરા વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહ તેમજ હડકમાઈ માતાજીના મંદિર અને પીતાંબર તળાવ પાસે આવેલી સ્મશાનભૂમિ ખાતે મોટી સંખ્યામાં સમાજજનો પહોંચ્યા હતા.
જે સ્થળે તેમના સ્વજનોની અંતિમક્રિયા થઈ હોય ત્યાં આવેલી સમાધિ પર પરિવારજનો દ્વારા દીવો, અગરબત્તી, ફૂલહાર, શ્રીફળ, ફળ-ફૂલ, ખાજા-ખમણ, જવાળાઓ તથા દૂધ અર્પણ કરી પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ખાસ કરીને નાની ઉંમરે મૃત્યુ પામેલા બાળકોની સમાધિ પર દૂધ અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવાની પરંપરા પણ જોવા મળી હતી.
સમાધિ પાસે પરિવારજનો ભાવુક બન્યા હતા. ક્યાંક આંખોમાં આંસુ તો ક્યાંક પૂર્વજોના સંસ્મરણો વચ્ચે પરિવારજનો એકબીજાને સાંત્વના આપતા જોવા મળ્યા હતા. રૂદન, સમર્પણ, શ્રદ્ધા અને સામાજિક એકતાનો અનોખો સંગમ દિવાસા પર્વની આગવી ઓળખ બની રહ્યો હતો.
સાત પેઢીથી પૂર્વજોને યાદ કરવાની પરંપરા
સમાજના અગ્રણી દિનેશભાઈ પટણીએ જણાવ્યું હતું કે સાત પેઢીથી પૂર્વજોને આ રીતે યાદ કરવાની પરંપરા જળવાઈ રહી છે. આ પર્વ માત્ર મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રસંગ નથી, પરંતુ નવી પેઢીને પોતાના પૂર્વજો, સમાજની પરંપરા અને સંસ્કાર સાથે જોડવાનો પણ અવસર છે.
દિવાસા પર્વ દરમિયાન સમાજના વિવિધ સંગઠનો અને મંડળો દ્વારા શ્રદ્ધાળુઓ માટે પાણી, ચા-નાસ્તો, ભોજન તથા અન્ય જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
15 વર્ષથી નિઃશુલ્ક મહાપ્રસાદ અને આશ્રયની સેવા
દિવાસા પર્વ નિમિત્તે અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટની યુવા ટીમ તથા સ્થાનિક આગેવાનોના સહયોગથી છેલ્લા 15 વર્ષથી વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રાજુભાઈ પટણી અને નગીનભાઈ પટણીના જણાવ્યા મુજબ યાત્રાળુઓ માટે કોઈપણ સ્વાર્થ વિના નિઃશુલ્ક મહાપ્રસાદ તથા રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
આ સેવા કેમ્પમાં અંદાજે 20થી 25 હજાર જેટલા યાત્રાળુઓ માટે ભોજન અને આશ્રયની વ્યવસ્થા કરવામાં આવતી હોવાનો તેમણે જણાવ્યું હતું. સમાજના યુવાનો અને આગેવાનોની સેવા ભાવનાથી દિવાસા પર્વ માત્ર ધાર્મિક પરંપરા નહીં પરંતુ માનવસેવાનું પણ ઉદાહરણ બની રહ્યો છે.
‘વધુ વૃક્ષો વાવો અને વ્યસન છોડો’નો સંદેશ

પાટણના અગ્રણી પેઈન્ટર પ્રકાશ જી. પટણીએ જણાવ્યું હતું કે દિવાસો પ્રેમ, લાગણી અને એકતાનું પર્વ છે. પૂર્વજોને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ કહેવાય જ્યારે નવી પેઢીને શિક્ષણ તરફ આગળ વધારવામાં આવે. સમાજના દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવી જીવનમાં આગળ વધારવાનો સંકલ્પ કરવાની સાથે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને વ્યસનોથી દૂર રહેવાનો સંદેશ પણ તેમણે આપ્યો હતો.
“વધુ વૃક્ષો વાવો અને વ્યસન છોડો, એ જ આપણા વડવાઓને સાચી શ્રદ્ધાંજલિ છે” એવો સંદેશ દિવાસા પર્વ નિમિત્તે આપવામાં આવ્યો હતો.
દિવાસો બન્યો શ્રદ્ધા સાથે સામાજિક એકતાનો પર્વ
દિવાસા પર્વમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા સમાજજનો પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી પરસ્પર મળ્યા હતા. વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવાની સાથે સમાજમાં શિક્ષણ, વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ અને એકતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
આ રીતે પાટણમાં ઉજવાતો દિવાસો માત્ર પૂર્વજોને યાદ કરવાનો પર્વ નથી, પરંતુ ભૂતકાળની પરંપરાને વર્તમાન પેઢી સાથે જોડીને ભવિષ્ય માટે શિક્ષણ, સેવા, પર્યાવરણ અને વ્યસનમુક્તિનો સંકલ્પ કરાવતું સમાજનું આગવું મહાપર્વ બની રહ્યો છે.
રિપોર્ટ.અનિલ રામાનુજ, પાટણ
