રાધનપુરની પીવાના પાણીની ટાંકીના કામમાં બાળ મજૂરી અને બેદરકારીના ગંભીર આક્ષેપ

વિપક્ષે તાત્કાલિક તપાસ, કોન્ટ્રાક્ટર સામે FIR અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની કરી માંગ; કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં નિર્માણાધીન પીવાના પાણીની ઊંચી ટાંકીનું કામ ગંભીર વિવાદમાં સપડાયું છે. વિપક્ષ નેતા જયાબેન ઠાકોરે નિર્માણ સાઇટના કેટલાક દૃશ્યો જાહેર કરીને કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, સાઇટ પર કથિત રીતે બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે, જવાબદાર અધિકારીઓ ગેરહાજર રહે છે અને બાંધકામની ગુણવત્તા અંગે પણ ગંભીર સવાલો ઉભા થયા છે.
વિપક્ષના આક્ષેપ મુજબ, નિર્માણ સ્થળે નાના બાળકો પાસે જોખમી પ્રકારનું કામ કરાવવામાં આવી રહ્યું છે, જે બાળ મજૂરી સંબંધિત કાયદાનો ભંગ છે. આવા સંજોગોમાં કોન્ટ્રાક્ટર સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. વિપક્ષે પ્રશ્ન ઉઠાવ્યો છે કે સરકારી પ્રોજેક્ટ પર આવી પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં સંબંધિત વિભાગો અને અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી.

આ ઉપરાંત વિપક્ષે દાવો કર્યો છે કે નિર્માણ સ્થળે દેખરેખ માટે જવાબદાર અધિકારીઓ કે સુપરવાઇઝરો નિયમિત હાજર રહેતા નથી, જેના કારણે કામની ગુણવત્તા અને સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અગાઉ પણ ટાંકીના બાંધકામમાં કથિત ‘હનીકોમ્બિંગ’ (પોલાણ) અને નબળી ગુણવત્તાના મુદ્દાઓ સામે આવ્યા હોવાનો ઉલ્લેખ કરીને વિપક્ષે સમગ્ર પ્રોજેક્ટની સ્વતંત્ર ટેક્નિકલ તપાસની માંગ કરી છે.
વિપક્ષે લેબર કમિશનર, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક સ્થળ તપાસ કરવાની માંગ સાથે બાલ મજૂરી કરાવવાના કથિત મામલે કોન્ટ્રાક્ટર સામે FIR નોંધવાની માંગણી કરી છે. સાથે જ પ્રોજેક્ટના સુપરવિઝન માટે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરીને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિર્માણ કાર્ય બંધ રાખવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
વિપક્ષે ચેતવણી આપી છે કે જો આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનતા સાથે મળીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઉપરાંત ગાંધીનગર સહિત ઉચ્ચ વહીવટી કક્ષાએ એજન્સી અને જવાબદાર અધિકારીઓ સામે લેખિત ફરિયાદ પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
