સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ

શાળા, મસ્જિદ, સમાજવાડી અને બજાર વિસ્તાર વચ્ચે કચરાના ઢગલા; દુર્ગંધથી સ્થાનિકો ત્રાહિમામ, તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ
કેપિટલ મેસેજ
Capital message
સમી તાલુકા મથકના સમી ગામના મધ્ય વિસ્તારમાં જાહેર સ્થળે ઉકરડાના મોટા ઢગલા થતાં સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. ગામના સૌથી વધુ અવરજવર ધરાવતા વિસ્તારમાં કચરો, ગંદુ પાણી અને અસહ્ય દુર્ગંધના કારણે સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમયથી કચરાનો યોગ્ય નિકાલ ન થતાં લોકોમાં તંત્ર પ્રત્યે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ સ્થળની આસપાસ સમી તાલુકા પ્રાથમિક કુમાર શાળા, શિક્ષણ સંકુલ, મેમણ સમાજની મસ્જિદ, ઠક્કર લોહાણા સમાજવાડી તેમજ અન્ય જાહેર સ્થળો આવેલા છે. દરરોજ સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે, સમાજના લોકો ધાર્મિક કાર્યક્રમો માટે તેમજ ગામ અને આસપાસના વિસ્તારોમાંથી અનેક લોકો સામાજિક પ્રસંગોમાં ભાગ લેવા માટે અહીંથી અવરજવર કરે છે. આવી સંવેદનશીલ જગ્યાએ ગંદકીના ઢગલા જોવા મળતા સ્વચ્છતા અભિયાનના દાવાઓ સામે પણ સવાલો ઊભા થયા છે.
જાહેર સ્થળે પડેલા કચરાના ઢગલા અને ગંદા પાણીના કારણે મચ્છર તથા જીવાતોનો ઉપદ્રવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોઈડ સહિતના ચેપી રોગો ફેલાવાનો ભય પણ સ્થાનિકોમાં વ્યાપ્યો છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે આ પરિસ્થિતિ વધુ જોખમી બની શકે છે.
ગંદકીની બાજુમાં આવેલી જૂની ટ્રેઝરીની ઇમારત પણ વર્ષોથી જર્જરિત અને ખંડેર હાલતમાં છે. આ ઇમારત સલામતીની દૃષ્ટિએ પણ જોખમી બની રહી છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તેવી પણ લોકોમાં ભીતિ જોવા મળી રહી છે.
સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ જણાવ્યું છે કે ગામમાં નિયમિત અને અસરકારક સફાઈ વ્યવસ્થા ન હોવાના કારણે જાહેર સ્થળોએ કચરો એકઠો થતો રહે છે. અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

આ અંગે સમી વેપારી એસોસિએશનના પ્રમુખ ભીખાલાલ એમ. પરમારએ વેપારીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આપવામાં આવેલી કચરાપેટીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે. દુકાનોની સફાઈ બાદ કચરો રસ્તા પર ફેંકવાના બદલે કચરાપેટીમાં જ નાખવામાં આવે, જેથી ગામની સ્વચ્છતા જળવાઈ રહે અને ગંદકીનું પ્રમાણ ઘટે.
સ્થાનિક સ્તરે એવી પણ માહિતી સામે આવી છે કે ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કામગીરી માટે રાખવામાં આવેલા સફાઈ કામદારો કોન્ટ્રાક્ટ આધારિત સેવા આપી રહ્યા છે અને તેમને પૂરતું વેતન તેમજ સરકારના નિયમો મુજબના લાભો મળતા નથી. ગ્રામજનોએ માંગ કરી છે કે સફાઈ કામદારોને કાયમી નિમણૂક આપવામાં આવે, તેમને નિયમિત વેતન અને સરકારી લાભો આપવામાં આવે તેમજ આ બાબતે ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને રાજ્ય સરકાર સમક્ષ યોગ્ય દરખાસ્ત મોકલવામાં આવે.
સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ તંત્રને ચેતવણીરૂપ અપીલ કરી છે કે જાહેર સ્થળેથી કચરાના ઢગલાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે, નિયમિત સફાઈની કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવે, જૂની ટ્રેઝરીની જોખમી ઇમારત અંગે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ગામને સ્વચ્છ તથા આરોગ્યપ્રદ બનાવવાના દિશામાં તાત્કાલિક અસરકારક પગલાં ભરવામાં આવે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવી પણ ચર્ચા ગામમાં ચાલી રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
