સાંતલપુરના વાઘપુરા પ્રા.શાળા માં વરસાદી પાણીનો કહેર, શૈક્ષણિક સામગ્રીને ભારે નુકસાન..

વર્ગખંડોમાં ઘૂંટણસમા પાણી ભરાતા શિક્ષણ કાર્ય ખોરવાયું, ગ્રામજનોએ તાત્કાલિક સહાયની કરી માંગ
કેપિટલ મેસેજ
Capital message
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી નજીક આવેલી વાઘપુરા પ્રાથમિક શાળામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે શાળા પરિસરમાં વરસાદી પાણી ઘૂસી જતાં સમગ્ર શાળા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. વર્ગખંડોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ માટે અભ્યાસનું વાતાવરણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. વરસાદી પાણીના કારણે શાળાની કિંમતી શૈક્ષણિક સામગ્રીને પણ મોટું નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
વર્ગખંડોમાં પાણી ઘૂસી જતાં પુસ્તકો, નોટબુકો, શિક્ષણ માટેના ચાર્ટ, શિક્ષણ કિટ, ફર્નિચર, ટેબલ-ખુરશીઓ તેમજ અન્ય જરૂરી સામગ્રી પાણીમાં પલળી જતાં ભારે નુકસાન થયું હતું. શાળામાં ભરાયેલા પાણીના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દૈનિક શૈક્ષણિક કામગીરી પણ પ્રભાવિત થઈ હતી.
પરિસ્થિતિ ગંભીર બનતાં શાળાના આચાર્ય, શિક્ષકો, કર્મચારીઓ તેમજ ગ્રામજનોએ મળીને શાળામાં ભરાયેલા પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી. મોટર પંપ અને અન્ય સાધનોની મદદથી પાણી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે સતત વરસાદને કારણે કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે દર વર્ષે વરસાદી સિઝનમાં શાળા પરિસરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ માટે કાયમી આયોજન ન હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા સ્થાનિકોએ તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે.
વાલીઓમાં પણ બાળકોના શિક્ષણ અને સલામતી અંગે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદી પાણીના કારણે શૈક્ષણિક દિવસો બગડતા બાળકોના અભ્યાસ પર સીધી અસર પડી રહી હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.
ગ્રામજનોએ જિલ્લા શિક્ષણ તંત્ર અને વહીવટી તંત્રને તાત્કાલિક નુકસાનનું સર્વેક્ષણ કરી શાળાને આર્થિક સહાય ફાળવવાની, નુકસાનગ્રસ્ત શૈક્ષણિક સામગ્રી બદલ નવી સામગ્રી ઉપલબ્ધ કરાવવાની તેમજ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અસરકારક આયોજન કરવાની માંગ કરી છે. સ્થાનિકોમાં આશા વ્યક્ત કરવામાં આવી છે કે તંત્ર સમયસર કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને ફરી સામાન્ય અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવશે.
રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
