પાટણમાં સંગીતમય સુંદરકાંડ પાઠથી ભક્તિમય માહોલ

પાટણમાં અમૃતલાલ દલપતરામ ઠક્કર પરિવાર દ્વારા પ.પૂ. સુશ્રી ગુરુદેવ રમાબેન હરિયાણીના પાવન સાનિધ્યમાં ભક્તિભાવથી ગુંજી ઉઠ્યો સંગીતમય સુંદરકાંડ પાઠ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ શહેરના સુદામા ચોકડી વિસ્તારમાં આવેલ ઉત્સવ પાર્ટી પ્લોટ ખાતે અમૃતલાલ દલપતરામ ઠક્કર પરિવાર દ્વારા પ.પૂ. સુશ્રી ગુરુદેવ રમાબેન હરિયાણીના પાવન સાનિધ્યમાં આયોજિત બે દિવસીય સંગીતમય સુંદરકાંડ પાઠનો શુક્રવાર, તા. 3 જુલાઈ, 2026 ના રોજ બપોરે 4 થી 6 વાગ્યા દરમિયાન અદ્વિતીય ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક હર્ષોલ્લાસ વચ્ચે ભવ્ય રીતે સંપન્ન થયો હતો. સમગ્ર વાતાવરણ શ્રીરામ અને પવનપુત્ર હનુમાનજીની ભક્તિથી ગુંજી ઉઠતાં પાટણ શહેર જાણે ભક્તિમય બની ગયું હતું.
રીંકુબેન ઠક્કર અને સરોજબેન ઠક્કરના મધુર તથા કર્ણપ્રિય કંઠે સુંદરકાંડના સંગીતમય પાઠનું ગાન થતાં સમગ્ર પરિસર “જય શ્રીરામ”ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. પાટણ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાંઓમાંથી હજારો હરિભક્તો, સંતપ્રેમીઓ અને મહેમાનો ઉપસ્થિત રહી આ દિવ્ય ધાર્મિક મહોત્સવના સાક્ષી બન્યા હતા.
કાર્યક્રમમાં પ.પૂ. સંતશ્રી કાલિદાસબાપુ (દેકાવાડા), પ.પૂ. સંતશ્રી આભાનંદ સરસ્વતીજી (પાટણ), પ.પૂ. સંતશ્રી કિશોરદાસજી મહારાજ (વરાહી), પ.પૂ. સંતશ્રી મમતામૈયા (માસર) તથા પ.પૂ. સાધ્વીશ્રી રામપ્રિયા માતાજી (પાટણ) પધારી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. ઉપરાંત ફરશુંભાઈ ગોકલાણી, રમેશભાઈ ગોકલાણી, અમદાવાદના રમેશભાઈ સરપંચ, થરા નગરપાલિકાના પ્રમુખ કિરીટભાઈ, હારીજના ડૉ. કનુભાઈ ઠક્કર, હારીજના સતીષભાઈ ઠક્કર (દીપક મિલવાળા), ગીતાબેન ઠક્કર, રાજુભાઈ ઠક્કર (પત્રકાર) તેમજ અન્ય અનેક વિશિષ્ટ મહેમાનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ પોતાના પ્રેરણાદાયી આશીર્વચનોમાં ધર્મ, સંસ્કાર, સેવા, ગૌસેવા અને ભારતીય સંસ્કૃતિના જતનનો સંદેશ આપી સૌને સદાચારના માર્ગે ચાલવા પ્રેરિત કર્યા હતા.

સંગીતના મધુર સ્વરો સાથે સુંદરકાંડના પાઠનું ભાવપૂર્વક ગાન થતાં સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઊર્જાથી ઓતપ્રોત બની ગયું હતું. શ્રીરામ અને હનુમાનજીની ભક્તિમાં લીન થયેલા હજારો શ્રદ્ધાળુઓ ભક્તિરસમાં તરબોળ બન્યા હતા. ભક્તોની સંખ્યા એટલી વિશાળ હતી કે હોલ સંપૂર્ણ ભરાઈ ગયો હતો અને ચાલવાની જગ્યામાં પણ ભક્તો બેસીને સુંદરકાંડના પાઠમાં તલ્લીન બન્યા હતા. આ દૃશ્યએ ભક્તિની અદભુત શક્તિનો જીવંત અનુભવ કરાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન એક હૃદયસ્પર્શી દૃશ્ય સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. એક માતા પોતાના નાના બાળકને સાથે લઈને સુંદરકાંડ પાઠમાં સંપૂર્ણ ભાવપૂર્વક જોડાયા હતા. એક તરફ તેઓ શ્રીરામના પાઠમાં લીન હતા તો બીજી તરફ માતૃત્વની જવાબદારી પણ નિભાવી રહ્યા હતા. આ દૃશ્યએ ભક્તિ અને માતૃત્વનો અદ્વિતીય સમન્વય રજૂ કરી સૌના હૃદયને સ્પર્શી ગયો હતો.
પ.પૂ. સુશ્રી ગુરુદેવ રમાબેન હરિયાણીએ પોતાના પ્રેરક પ્રવચનમાં સુંદરકાંડના મહિમાનું સુંદર વર્ણન કરતાં જણાવ્યું હતું કે કળિયુગમાં ભક્તિ જ જીવનનું સૌથી મોટું બળ છે. તેમણે ખાસ કરીને બહેનોને સંદેશ આપતાં જણાવ્યું કે જીવનનો અમૂલ્ય સમય ધાર્મિક કાર્યો, સત્સંગ, સેવા અને સંસ્કારના સંવર્ધનમાં વધુ વાપરવો જોઈએ તથા વ્યર્થ સામાજિક પ્રવૃત્તિઓમાં ઓછો સમય આપવો જોઈએ. તેમના આ પ્રેરણાદાયી સંદેશને ઉપસ્થિત ભક્તોએ ખૂબ જ ભાવપૂર્વક સ્વીકાર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ગૌમાતા સંરક્ષણ અને ગૌસેવાના જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભાઈઓ અને બહેનો દ્વારા મોટી સંખ્યામાં સહી અભિયાન પણ હાથ ધરાયું હતું, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગૌસેવા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આયોજક અમૃતલાલ દલપતરામ ઠક્કર, તેમના સુપુત્રો રાજુભાઈ ઠક્કર તથા ભરતભાઈ ઠક્કર પરિવારે મહેમાનો અને હરિભક્તો માટે ઉત્તમ મહેમાનગતિનું સુંદર આયોજન કર્યું હતું. ચા-નાસ્તો, જ્યુસ, સ્વાદિષ્ટ વાનગીઓ, મીઠાઈ, કુલ્ફી, ઠંડી છાશ, ઠંડા પાણીની બોટલો તેમજ ભોજન મહાપ્રસાદની ભવ્ય વ્યવસ્થાથી ઉપસ્થિત સૌએ આયોજકોની સેવા ભાવના અને આત્મીયતાની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી.
અંતે મોટી સંખ્યામાં હરિભક્તોએ ભોજન મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર ધાર્મિક મહોત્સવે ભક્તિ, સેવા, સમરસતા, એકતા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમે એ પણ સાબિત કરી દીધું કે કળિયુગમાં પણ ભક્તિની શક્તિ અખંડિત છે અને સમાજ મોટી સંખ્યામાં ધાર્મિક તથા સાંસ્કૃતિક મૂલ્યો સાથે સતત જોડાઈ રહ્યો છે. સમગ્ર પાટણ શહેર શ્રીરામ અને હનુમાનજીની ભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
