રાધનપુરના મંડાઈ ચોક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય

ગોગાશેરી, મંડાઈ ચોક સહીત મિરા દરવાજા વિસ્તારૉમાં ખુલ્લી ગટર, રસ્તા પર વહેતું ગંદુ પાણી અને મુતરડીની ગંદકી-તંત્રની બેદરકારીથી લોકોમાં ભારે રોષ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
રાધનપુર શહેરના મંડાઈ ચોક વિસ્તાર હેઠળ આવતી હીરશા ગરની સેરી, ગોગાશેરી તેમજ મીરા દરવાજા-મંડાઈ ચોક રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભારે ગંદકી અને અસ્વચ્છતાનું સામ્રાજ્ય ફેલાયું હોવાનું સામે આવ્યું છે. વિસ્તારમાં ખુલ્લી ગટર, રસ્તા પર વહેતું ગંદુ પાણી, સમયસર કચરો ઉઠાવવામાં થતી બેદરકારી અને જાહેર મુતરડીની અત્યંત ખરાબ હાલતને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાલિકાના કચરા વાહનો સમયસર વિસ્તારમાં આવતા નથી, જેના કારણે ગલીઓ અને રસ્તાઓ પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ખુલ્લી ગટરોમાં પ્લાસ્ટિક અને અન્ય કચરો ભરાઈ જતાં ગંદુ પાણી ઓવરફ્લો થઈ જાહેર રસ્તા પર ફરી વળે છે. ગંદકી અને દુર્ગંધને કારણે વિસ્તારમાં રહેતા લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે.
વિસ્તારમાં આવેલી જાહેર મુતરડી પણ અવ્યવસ્થિત હાલતમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. પૂરતી સફાઈ અને જાળવણી ન થવાને કારણે લોકો ખુલ્લામાં પેશાબ કરવા મજબૂર બનતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. પરિણામે ગટરનું ગંદુ પાણી અને ખુલ્લામાં પેશાબ કરનાર લોકોના કારણે સર્જાતી ગંદકીનું પાણી રસ્તા પર ફરી વળતું હોવાનું લોકો જણાવી રહ્યા છે.

સ્થાનિક નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. વિસ્તારના રહીશો હવે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. ગરમીના સમયમાં ગંદકી અને દુર્ગંધ વધતા મચ્છર અને જીવાતોનો ઉપદ્રવ પણ વધી ગયો હોવાનું લોકો જણાવી રહ્યા છે.
લોકોના જણાવ્યા અનુસાર વરસાદી માહોલ શરૂ થાય તે પહેલાં જો યોગ્ય સફાઈ કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો સ્થિતિ વધુ વિકટ બની શકે છે. સ્થાનિકોએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક અસરથી સફાઈ અભિયાન ચલાવવા, ખુલ્લી ગટરોની યોગ્ય સફાઈ કરવા, કચરાનો નિયમિત નિકાલ કરવાની વ્યવસ્થા ઉભી કરવા તેમજ જાહેર મુતરડીને સુવિધાસભર અને સ્વચ્છ બનાવવાની માંગ ઉઠાવી છે.
વિસ્તારના રહીશોનું કહેવું છે કે શહેરના મધ્ય વિસ્તારમાં આવતી આ ગલીઓમાં જો આવી હાલત હોય તો પાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થાય છે. લોકો હવે માત્ર આશ્વાસન નહીં પરંતુ કાયમી અને અસરકારક કાર્યવાહી ઈચ્છી રહ્યા છે.સ્થાનિકોમાં ઉઠેલા રોષ વચ્ચે હવે પાલિકા તંત્ર ગંદકી અને અસ્વચ્છતાના આ ગંભીર પ્રશ્નને કેટલી ગંભીરતાથી લે છે અને ક્યારે કાયમી ઉકેલ લાવે છે તેના પર લોકોની નજર ટકેલી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
