ધારપુર મેડિકલ કોલેજના તબીબોની અદ્ભુત સિદ્ધિ
એક જ સિટિંગમાં બે જટિલ લેપ્રોસ્કોપિક સર્જરી સફળ, ૫૬ વર્ષીય મહિલાને નવજીવન
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ, પ્રતિનિધિ:
GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ધારપુર-પાટણ ખાતે જનરલ સર્જરી વિભાગના નિષ્ણાત તબીબોએ તબીબી ક્ષેત્રમાં વિરલ ગણાય તેવી અત્યંત જટિલ અને જોખમી સર્જરી આધુનિક લેપ્રોસ્કોપિક (દૂરબીન) પદ્ધતિ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરી ૫૬ વર્ષીય મહિલા દર્દીને નવજીવન આપ્યું છે.
મહિલા દર્દીને છેલ્લા કેટલાક સમયથી પેટની જમણી બાજુ અસહ્ય દુખાવો, પેટ ફૂલવું તથા ઊબકા આવવા જેવી ગંભીર તકલીફો થઈ રહી હતી. ધારપુર હોસ્પિટલ ખાતે તપાસ દરમિયાન તબીબોએ રેડિયોલોજીકલ નિદાન કરતા જાણવા મળ્યું હતું કે દર્દીને પિત્તાશયમાં પથરી (Gall Bladder Calculi) હોવાની સાથે એપેન્ડિક્સમાં અત્યંત દુર્લભ પ્રકારની ગાંઠ જેવી સ્થિતિ ‘Mucocele of Appendix’ વિકસેલી હતી.
સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં પેટ પર મોટો ચીરો મૂકી ઓપન સર્જરી કરવાની જરૂર પડતી હોય છે, પરંતુ દર્દીની સ્થિતિ અને ઉંમરને ધ્યાનમાં રાખી તબીબી ટીમે આધુનિક લેપ્રોસ્કોપિક ટેક્નિક અપનાવવાનો નિર્ણય કર્યો હતો. તબીબોએ માત્ર એક જ ઓપરેટિવ સિટિંગમાં દૂરબીન પદ્ધતિથી લેપ્રોસ્કોપિક કોલેસિસ્ટેક્ટોમિ (પિત્તાશય દૂર કરવું) તેમજ લેપ્રોસ્કોપિક એપેન્ડેક્ટોમિ (એપેન્ડિક્સ દૂર કરવું) બંને સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી.
ઓપરેશન દરમિયાન શરીરમાંથી દૂર કરાયેલા નમૂનાઓને હિસ્ટોપેથોલોજીકલ તપાસ (HPE/બાયોપ્સી) માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં એપેન્ડિક્સમાં શરૂઆતના તબક્કાનું કેન્સર એટલે કે ‘Low Grade Mucinous Neoplasm/Carcinoma’ હોવાનું સામે આવ્યું હતું. જોકે સર્જિકલ માર્જિન સંપૂર્ણપણે સ્વચ્છ (Free Surgical Margins) આવતા તબીબોએ કેન્સરગ્રસ્ત ભાગને સંપૂર્ણ રીતે દૂર કરવામાં સફળતા મેળવી હોવાનું સ્પષ્ટ થયું છે. હાલ દર્દી સંપૂર્ણ જોખમમુક્ત હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
આધુનિક લેપ્રોસ્કોપિક પદ્ધતિના કારણે દર્દીને ઓપરેશન બાદ કોઈ જટિલતા કે આડઅસર થઈ નહોતી અને ઓપરેશનના માત્ર ત્રીજા જ દિવસે દર્દી સ્વસ્થ હાલતમાં હોસ્પિટલમાંથી રજા મેળવી ઘરે પરત ફર્યા હતા.
આ જટિલ સર્જરી સર્જરી વિભાગના ડો. જયેશ ગોહેલના માર્ગદર્શન હેઠળ ડો. આકાશ અગ્રવાલ અને ડો. મિતેષ ચાવડાની સર્જીકલ ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. જ્યારે એનેસ્થેસિયા વિભાગના ડો. દિક્ષિત મોઢ અને તેમની ટીમે મહત્વપૂર્ણ એનેસ્થેટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો. સમગ્ર સર્જરી દરમિયાન હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે પણ પ્રશંસનીય સહયોગ આપ્યો હતો.
ધારપુર મેડિકલ કોલેજના ડીન તેમજ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે સમગ્ર તબીબી ટીમને આ ઉત્કૃષ્ટ અને નોંધપાત્ર તબીબી સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
