રાધનપુર તાલુકામાં અનરાધાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા

જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી… આકાશી દ્રશ્યોમાં ખેડૂતોની મુશ્કેલીનો ચિતાર
કેપિટલ મેસેજ
Capital message
રાધનપુર તાલુકામાં પડેલા અનરાધાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. સતત ભારે વરસાદના કારણે તાલુકાના અનેક ગામોના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતીલાયક જમીનો જાણે તળાવમાં ફેરવાઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના ગ્રામ્ય વિસ્તારોમાંથી સામે આવેલા આકાશી દ્રશ્યોમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
દેલાણા, ગોતરકા, રામેશ્વર, દેગામ, ધોરકડા, ગુલાબપુરા, સાતુન, કમાલપુર, પેદાશપુરા, અગીચાણા, જોરાવરગંજ અને બિસ્મીલાગંજ સહિતના ગામોમાં વરસાદી પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. અનેક ખેતરોમાં લાંબા સમયથી પાણી ભરાયેલું રહેતા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ખરીફ પાક પર સંકટ
ખેડૂતોના જણાવ્યા મુજબ ગવાર, બાજરી, જુવાર, કપાસ સહિતના ખરીફ પાકો પાણીમાં ગરકાવ થયા છે. સતત પાણી ભરાઈ રહેતા પાક સડી જવાની શક્યતા વધી છે. પ્રાથમિક અંદાજ મુજબ 100થી વધુ ખેડૂતોને સીધી અસર પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો પાણીનો ઝડપી નિકાલ નહીં થાય તો નુકસાનનો વ્યાપ આગામી દિવસોમાં હજુ વધી શકે છે.
ખેતરોમાં પાણી ભરાવાને કારણે માત્ર હાલના પાકને જ નુકસાન થવાની ભીતિ નથી, પરંતુ આગામી વાવેતર અને જમીનની ખેતીલાયક સ્થિતિ પર પણ તેની અસર પડી શકે છે. ખેડૂતો માટે એક તરફ ભારે વરસાદ આફત બન્યો છે તો બીજી તરફ પાકમાં કરેલા ખર્ચની ભરપાઈ કેવી રીતે થશે તેની ચિંતા પણ સતાવી રહી છે.

સાંસદે ખેડૂતોના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી
રાધનપુર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને થયેલા નુકસાનને લઈને પાટણ લોકસભા મતવિસ્તારના સાંસદ ભરતસિંહ ડાભીએ પણ ચિંતા વ્યક્ત કરી છે. અસરગ્રસ્ત ખેડૂતોને નુકસાનના યોગ્ય આકલન સાથે તાત્કાલિક સરવે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય સહાય મળે તેવી માંગ ઉઠી રહી છે.
તાત્કાલિક સર્વે અને પાણીના નિકાલની માંગ
અસરગ્રસ્ત ખેડૂતો અને ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે હાથ ધરવાની માંગ કરવામાં આવી છે. ખેતરોમાં ભરાયેલા પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવે, પાક નુકસાનીનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે અને નિયમ મુજબ ખેડૂતોને વળતર તથા સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતરોમાં પાણીનું સ્તર ઘટે નહીં અને આગામી દિવસોમાં ફરી વરસાદ પડે તો નુકસાન અનેકગણું વધી શકે છે. ત્યારે તંત્ર દ્વારા સમયસર કામગીરી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.
આકાશી દ્રશ્યો રાધનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાયેલી જળબંબાકાર જેવી સ્થિતિ અને ખેડૂતોની ચિંતાની ગંભીરતા સ્પષ્ટ કરી રહ્યા છે. હવે ખેડૂતોની નજર તંત્રના સર્વે, પાણીના નિકાલ અને સહાયની કાર્યવાહી પર ટકેલી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
