રાધનપુરમાં આસ્થાનું અનોખું ધામ બન્યું ‘શ્રીરાપરિયા દાદા મંદિર’- મિની બગદાણા’ તરીકે પામી ઓળખ

2003માં રાપરથી લાવેલી હનુમાનજીની જ્યોતથી શરૂ થયેલી શ્રદ્ધાની સફર આજે ‘મિની બગદાણા’ તરીકે પામી રહી છે ઓળખ….
અઢારે વર્ણના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું રાપરિયા ધામ, દર શનિવારે 5થી 6 હજાર શ્રદ્ધાળુઓ દર્શને ઉમટે છે; 24 કલાક અન્નક્ષેત્ર અને ચા સેવા સાથે ખીચડી-છાશનો પ્રસાદ અપાય છે…
કેપિટલ મેસેજ
Capital message
01, November, 2026
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલું રાપરિયા દાદા હનુમાનજી મંદિર આજે શ્રદ્ધા, સેવા, સમર્પણ અને સામાજિક એકતાનું વિશિષ્ટ ધાર્મિક કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ 2003માં રાપરથી લાવવામાં આવેલી રાપરિયા દાદાની જ્યોત અને હનુમાનજીની જ્યોતથી શરૂ થયેલી આ ધાર્મિક યાત્રાએ આજે ભવ્ય સ્વરૂપ ધારણ કર્યું છે. એક સમયે જંગલ વિસ્તાર વચ્ચે આવેલા નાના મંદિરથી શરૂ થયેલી આસ્થાની સફર આજે ભક્તોની શ્રદ્ધા, સમાજના સહયોગ અને દાતાઓના યોગદાનથી વિશાળ રાપરિયા ધામમાં પરિવર્તિત થઈ છે. આ ધામને ભક્તો પ્રેમથી ‘મિની બગદાણા’ તરીકે પણ ઓળખે છે.

વઢિયાર વિભાગના રામાનંદી સાધુ સમાજની આગેવાની અને અઢારે વર્ણના લોકોના સહયોગથી આ મંદિરનો વિકાસ સતત આગળ વધ્યો છે. રામાનંદી સાધુ સમાજનાં આશરે 700 ઘરોના ફાળા, વિવિધ દાતાઓના યોગદાન અને ભક્તજનોની સેવાભાવનાથી આજે રાપરિયા દાદાનું મંદિર ધાર્મિક આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે. અહીં કોઈ એક જ સમાજ કે કોમ પૂરતી મર્યાદિત શ્રદ્ધા નથી, પરંતુ અઢારે વર્ણના લોકો હનુમાનજી દાદાનાં દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામના સાથે દાદાના આશીર્વાદ મેળવે છે.
રાપરિયા દાદા ધામની વિશેષતા માત્ર ધાર્મિક દર્શન પૂરતી સીમિત નથી, પરંતુ અહીં માનવસેવાને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે. વર્ષ 2003થી અહીં 24 કલાક અન્નક્ષેત્ર અને ચાની સેવા સતત કાર્યરત હોવાનું જણાવવામાં આવ્યું છે. મંદિરે આવતા કોઈપણ ભક્તને નાત-જાત કે સમાજના ભેદભાવ વગર ભોજન અને પ્રસાદની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી દર શનિવારે ભક્તજનોને ખીચડીનો પ્રસાદ તથા ઠંડી છાશનું વિતરણ પણ કરવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ ધામની આગવી ઓળખ બની રહી છે.

દર શનિવારે રાપરિયા દાદાના દર્શન માટે સવારથી સાંજ સુધીમાં અંદાજે 5થી 6 હજાર જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. વહેલી સવારે યોજાતી પ્રાતઃ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે, જ્યારે સાંજની મહાઆરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવ અને જય હનુમાનના નાદથી ગુંજી ઊઠે છે. સાંજની મહાઆરતીમાં પણ હજારો ભક્તો સામૂહિક રીતે આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. ભક્તિ, શ્રદ્ધા અને સામૂહિક સેવાનો આ માહોલ રાપરિયા ધામને વિશેષ ધાર્મિક ઓળખ અપાવે છે.
આજે રાપરિયા દાદા મંદિર માત્ર એક મંદિર નહીં, પરંતુ અઢારે વર્ણના લોકોની આસ્થા, સામાજિક એકતા અને સેવાભાવનાનું પ્રતીક બની રહ્યું છે. અહીં આવતા દરેક શ્રદ્ધાળુને સમાન ભાવથી આવકારવામાં આવે છે. ભોજન, ચા, પ્રસાદ અને દર્શનની નિરંતર વ્યવસ્થા દ્વારા ‘સેવા એ જ સાચી ભક્તિ’નો સંદેશ જીવંત રાખવામાં આવી રહ્યો છે.

આ અંગે રાપરિયા દાદા મંદિરના મંત્રી અને નિવૃત્ત શિક્ષક નરસિંહભાઈ આત્મારામ સાધુએ જણાવ્યું હતું કે, વર્ષ 2003થી શરૂ થયેલી આ ધાર્મિક યાત્રામાં સમાજના દરેક વર્ગ, દાતાઓ અને ભક્તજનોનો અમૂલ્ય સહયોગ રહ્યો છે. સૌના સહયોગથી નાનું મંદિર આજે વિશાળ ધામ તરીકે વિકસ્યું છે. અહીં અઢારે વર્ણના ભક્તો આવે છે અને કોઈપણ પ્રકારના નાત-જાતના ભેદભાવ વગર પ્રસાદ તથા સેવાઓનો લાભ લે છે. દાદાના આશીર્વાદથી આ સેવાકાર્ય સતત આગળ વધતું રહે તેવી ભાવના છે.
રાપરથી લાવવામાં આવેલી જ્યોતથી શરૂ થયેલી આસ્થાની જ્યોત આજે હજારો ભક્તોના હૃદયમાં પ્રજ્વલિત છે. રાપરિયા દાદા ધામ રાધનપુરમાં ભક્તિ સાથે માનવસેવા, સમરસતા અને સામાજિક એકતાનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ, પાટણ
