પાટણના વેરાઈ ચકલા પટણીવાસમાં શ્રી આઠ બાઈ માતાજીના ધામે આસો સુદ આઠમનો ધાર્મિક ઉત્સવ યોજાયો

250 વર્ષ જૂની સગડી ઉપાડવાની પરંપરા આજે પણ યથાવત્, દેવીપૂજક મહિલાઓએ માથા પર અગ્નિ પ્રગટાવી સગડી ઉપાડી માતાજીની આરાધના કરી
કેપિટલ મેસેજ
Capital message
પાટણ શહેરના વેરાઈ ચકલા પટણીવાસ ખાતે આવેલા પટણી દેવીપૂજક સમાજના આસ્થાના કેન્દ્ર શ્રી આઠ બાઈ માતાજીના ધામે આસો સુદ આઠમ નિમિત્તે ધાર્મિક ઉત્સવ ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. પટણી દેવીપૂજક સમાજનાં ચાર ધામ પૈકીના એક મહત્વપૂર્ણ ધામ તરીકે ઓળખાતા આ સ્થળે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન કરવા અને પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવા ઉમટી પડ્યા હતા.
આઠ બાઈ માતાજીના ધામનો ઇતિહાસ આશરે 250 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. વર્ષો પહેલાં ઝવેર જોષી દ્વારા માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. આ ધામની વિશેષતા એ છે કે અહીં માતાજીનો ફોટો કે મૂર્તિ નથી, પરંતુ ગોખની અંદર આવેલા મઢમાં છેલ્લા આશરે 250 વર્ષથી અવિરત પૂજા-અર્ચના થતી આવી છે. પેઢી દર પેઢીથી ચાલી આવતી આ પરંપરા આજે પણ સમાજની ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાને જીવંત રાખે છે.
આસો સુદ આઠમના પવિત્ર દિવસે અહીં વર્ષો જૂની સગડી ઉપાડવાની પરંપરા પણ જાળવી રાખવામાં આવી હતી. સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી ભાવના સાથે દેવીપૂજક મહિલાઓએ માથા ઉપર નળિયામાં અગ્નિ પ્રગટાવી સગડી ઉપાડી માતાજીની આરાધના કરી હતી. આ અનોખી ધાર્મિક પરંપરામાં મહિલાઓએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો. આ પ્રસંગે ડાકલા અને ઢોલના નાદ વચ્ચે માતાજીની ઉપાસના કરવામાં આવી હતી, જ્યાં પલ્લી, રમેણ અને જાતરનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.
આ ધાર્મિક પ્રસંગે વેરાઈ ચકલા પટણીવાસના સ્થાનિક અગ્રણી તથા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ રમેશભાઈ જે. પટણીએ હાજરી આપી માતાજીનાં દર્શન અને આરતીનો લાભ લીધો હતો. માતાજીના ભુવાજી કિશનભાઈ પટણીએ ધાર્મિક વિધિ સંપન્ન કરાવી હતી. સમગ્ર આયોજન દરમિયાન ભક્તિ, પરંપરા અને સમાજની એકતાનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગે પ્રકાશ પટણીએ માહિતી આપી હતી.
શ્રદ્ધા, પરંપરા અને આસ્થાના પ્રતીક સમાન શ્રી આઠ બાઈ માતાજીનું ધામ આજે પણ પટણી દેવીપૂજક સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખને જાળવી રહ્યું છે. આશરે અઢી સદીથી ચાલી આવતી પૂજા-અર્ચના અને સગડી ઉપાડવાની પરંપરા નવી પેઢીને પણ સમાજના વારસા સાથે જોડવાનું કાર્ય કરી રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
