રાધનપુરમાં ભેળ-પાણીપુરી ખાધા બાદ ફૂડ પોઇઝનિંગની આશંકા, બંધવડ ગામના 12 લોકોને અસર

એક જ પરિવારના સભ્યોને ઝાડા-ઉલટી અને તાવની ફરિયાદ બાદ સારવાર માટે ખસેડાયા; ખાદ્ય સુરક્ષા વિભાગ અને નગરપાલિકા સક્રિય બને તેવી માંગ
કેપિટલ મેસેજ
Capital message
26, October, 2026
રાધનપુર તાલુકાના બંધવડ ગામના 12 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, પરિવારના સભ્યોએ રાધનપુરમાં એક લારી પર ભેળ, પાણીપુરી અથવા અન્ય ફાસ્ટફૂડ ખાધા બાદ તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ એકસાથે ઝાડા-ઉલટી અને તાવ જેવી તકલીફો થતાં તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી વિગતો અનુસાર, અસરગ્રસ્ત 12 લોકોમાંથી 8 લોકોને રાધનપુરની હિમજા ક્લિનિક ખાતે સારવાર આપવામાં આવી હતી, જ્યારે અન્ય 4 લોકોને બીજા દવાખાનામાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. હિમજા ક્લિનિકના તબીબ નીતિનભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ, એક જ પરિવારના સભ્યોની તબિયત બગડતાં તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ તમામ દર્દીઓની તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાનું જણાવાયું છે.
આ ઘટનાને પગલે રાધનપુરમાં લારીઓ પર વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે સવાલો ઊભા થયા છે. ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવે છે કે નહીં, લારીઓ પર સ્વચ્છતાના નિયમોનું પાલન થાય છે કે નહીં અને નગરપાલિકા દ્વારા નિયમિત તપાસ કરવામાં આવે છે કે નહીં તેવા પ્રશ્નો ચર્ચામાં આવ્યા છે.

જોકે, ફૂડ પોઇઝનિંગનું ચોક્કસ કારણ અને કયા ખાદ્ય પદાર્થના સેવનથી તબિયત બગડી તે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગો દ્વારા તપાસ હાથ ધરી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ, રાધનપુર
