ડભોઇ પંથકની જીવાદોરી સમાન ઓરસંગ નદી શિયાળાની શરૂઆતમાં જ સૂકીભઠ

કેપિટલ મેસેજ
Capital message
25, October, 2026
નદી કિનારાના ખેડૂતોમાં શિયાળુ અને ઉનાળુ પાકને લઈને ઘેરી ચિંતા ઓછા વરસાદના પગલે નદીઓ ખાલીખમ; ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરવાની ભીતિ વચ્ચે ખેડૂતો મુકાયા ભારે મૂંઝવણમાં ડભોઇ તાલુકામાંથી પસાર થતી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે જીવાદોરી સમાન ઓરસંગ નદી હાલ અત્યારથી જ સાવ કોરીધાકોર જોવા મળી રહી છે. સામાન્ય રીતે કાળઝાળ ઉનાળાની ઋતુમાં નદીઓના પટ સૂકાતા જોવા મળતા હોય છે, પરંતુ આ વર્ષે હજુ તો શિયાળાની માંડ શરૂઆત થઈ રહી છે ત્યાં જ ઓરસંગ નદી અત્યારથી ખાલીખમ થઈ જતાં સ્થાનિક લોકો અને ખેડૂત આલમમાં ભારે આશ્ચર્ય સાથે ચિંતાનું મોજું ફરી વળ્યું છે ઓછા વરસાદની સીધી અસર જળસ્ત્રોતો પર
ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પંથકમાં વરસાદની અનિયમિતતા અને ઓછો વરસાદ નોંધાયો છે, જેના પરિણામે તાલુકાના મુખ્ય જળસ્ત્રોતો સમય પહેલાં જ ખાલી થઈ ગયા છે. ચોમાસુ વિદાય લેતાની સાથે જ નદીના વહેણ થંભી ગયા છે અને પટમાં માત્ર રેતીના ઢગલા જ નજરે પડી રહ્યા છે. હજુ તો આખો શિયાળો બાકી છે અને ત્યારબાદ કાળઝાળ ઉનાળો પસાર કરવાનો છે, ત્યારે શરૂઆતથી જ નદી સુકાઈ જતાં આવનારા દિવસોમાં જળસંકટ વધુ ઘેરું બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

શિયાળુ અને ઉનાળુ પાક લેવા સામે મોટો પ્રશ્નાર્થ ઓરસંગ નદીના કિનારે આવેલા ગામોના ખેડૂતો નદીના પાણી અને તેના કારણે ઊંચા રહેતા ભૂગર્ભ જળસ્તર પર નિર્ભર રહીને મોટા પાયે શિયાળુ તેમજ ઉનાળુ ખેતી કરતા હોય છે. નદી અત્યારથી જ સૂકાઈ જતાં બોર-કૂવાના પાણીના તળ પણ ઝડપથી ઊંડા ઉતરી જવાની શક્યતા છે. આ પરિસ્થિતિના કારણે ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરવું કે નહીં તે અંગે ભારે દ્વિધા અને મૂંઝવણમાં મુકાઈ ગયા છે. જો નદીમાં પાણી જ ન રહે તો ખેડૂતો શિયાળુ કે ઉનાળુ પાક લઈ શકે તેવી કોઈ અનુકૂળ સ્થિતિ હાલ દેખાતી નથી.પશુપાલકો અને પંથકમાં પાણીની તંગીની આશંકાનદી સૂકીભઠ થઈ જતાં માત્ર ખેતી જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો માટે પણ પશુઓના પીવાના પાણીની સમસ્યા ઊભી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હજુ તો મોસમની શરૂઆત છે ત્યાં જ જો આ દશા હોય, તો આગામી વૈશાખ-જેઠ મહિનામાં પરિસ્થિતિ કેટલી વિકટ બનશે તેને લઈને સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. જગતનો તાત આ કુદરતી માર સામે લાચાર બનીને ચિંતાતુર નજરે વહીવટી તંત્ર કે કેનાલના આધાર તરફ મીટ માંડીને બેઠો છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
