ડભોઈ તાલુકાના પણસોલી પાસેથી પસાર થતી વઢવાણા કેનાલમાં ઝાડી-ઝાંખરાંનું સામ્રાજ્ય પાણી છોડાયું છતાં સફાઈના અભાવે છેવાડાના ખેડૂતો વંચિત

કેપિટલ મેસેજ
Capital message
ડભોઈ તાલુકાના ઐતિહાસિક વઢવાણા તળાવમાંથી કેનાલ મારફતે ખેતી માટે પાણી છોડવામાં આવ્યું છે પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે આ પાણી જરૂરિયાતમંદ ખેડૂતો સુધી પહોંચી શકતું નથી. ખાસ કરીને પણસોલી ગામ પાસેથી પસાર થતી વઢવાણા સિંચાઈ કેનાલમાં મોટા પાયે કચરો ગંદકી અને જંગલી ઝાડી-ઝાંખરાં ઊગી નીકળતાં પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે અવરોધાઈ ગયો છે ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેતાં વિસ્તારના ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. હાલના તબક્કે ડાંગર, કપાસ અને તુવેર જેવા મુખ્ય પાકોને પિયત માટે પાણીની તાતી જરૂરિયાત છે. પાક સુકાઈ ન જાય તે હેતુથી વઢવાણા તળાવમાંથી કેનાલમાં પાણી તો છોડવામાં આવ્યું, પરંતુ કેનાલની પૂર્વ-સફાઈ કરવામાં ન આવતાં સમગ્ર સ્થિતિ વણસી છે.

કેનાલની અંદર જામેલા કચરા અને જંગલી વેલાઓના ગીચ જાળાને લીધે પાણી આગળ વધી શકતું નથી, પરિણામે છેવાડાના (ટેઈલ વિસ્તારના) ખેતરો સુધી પાણી પહોંચતું જ નથી સિંચાઈ વિભાગના અધિકારીઓની લાપરવાહી અને ઉદાસીન વલણના કારણે મોંઘા ભાવનાં બિયારણ અને ખાતર નાખીને બેઠેલા ધરતીપુત્રોને મોટો આર્થિક ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે. પાણી હોવા છતાં તંત્રની અણઆવડતના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે સ્થાનિક ખેડૂતોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની એક જ માંગ છે કે જવાબદાર અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગે અને તાત્કાલિક ધોરણે જેસીબી કે મશીનરી મૂકી કેનાલમાંથી ઝાડી-ઝાંખરાં તથા કચરાની સફાઈ કરાવે, જેથી છેવાડાના ખેડૂતોના ખેતર સુધી વહેલી તકે પાણી પહોંચી શકે અને ઊભા પાકને બચાવી શકાય.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
