પ્રોફેસર મેમણ નઈમ અસ્લમ ગુજરાત રાજ્યના IT કન્વીનર તરીકે નિયુક્ત: ટ્રોફી આપી સન્માનિત કરાયા
ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા પ્રોફેસર મેમણ નઈમ અસ્લમની ગુજરાત રાજ્યના કમ્પ્યુટર આઈ.ટી. અને વોકેશનલ કોર્સિસના કન્વીનર તરીકે નિમણૂક કરી જનાબ ઇકબાલ ઓફિસર સાહબ ધ્વારા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કેપિટલ મેસેજ
Capital message
ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક તા. ૨૦ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ ઈસ્લામ જીમખાના ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રોફેસર મેમણ નઈમ અસ્લમની સમગ્ર ગુજરાત રાજ્યના કમ્પ્યુટર આઈ.ટી. અને વોકેશનલ કોર્સિસના કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમને ટ્રોફી આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
આ નિમણૂક અંતર્ગત પ્રોફેસર મેમણ નઈમ અસ્લમને ગુજરાત રાજ્યનાં તમામ સેન્ટરોની જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ સેન્ટરોને સેન્ટ્રલ ગવર્નમેન્ટ એપ્રૂવ્ડ એફિલિએશન અપાવવાની તેમજ સેન્ટરોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્રો મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત, ગુજરાતમાં નવા સેન્ટરો શરૂ કરવામાં આવે ત્યારે તેમની મુલાકાત લઈને સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કરવું, શિક્ષકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવું તથા શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે તે માટે માર્ગદર્શકની ભૂમિકા નિભાવવાની જવાબદારી પણ પ્રોફેસર મેમણ નઈમ અસ્લમને સોંપવામાં આવી છે.
આ પહેલ દ્વારા મેમણ સમાજના યુવક-યુવતીઓને કમ્પ્યુટર શિક્ષણ, આઈ.ટી. અને વોકેશનલ કોર્સિસના માધ્યમથી કૌશલ્ય વિકાસની વધુ તકો ઉપલબ્ધ થાય તથા તેઓ રોજગારલક્ષી શિક્ષણ મેળવી આત્મનિર્ભર બને તે દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવશે.
પ્રોફેસર મેમણ નઈમ અસ્લમની આ નિમણૂકથી ગુજરાતમાં કમ્પ્યુટર શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં નવી તકો ઊભી થશે તથા સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ અને રોજગારની દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે.
