પાટણના પ્રગતિ મેદાન ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરાયું

સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા ૫૦ સ્ટોલનું આયોજન; ‘લોકલ ફોર વોકલ’ની ભાવનાને મળશે વેગ
કેપિટલ મેસેજ
Capital message
પાટણના પ્રગતિ મેદાન ખાતે પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો, નાના ઉદ્યોગસાહસિકો અને ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા તેમજ સ્વદેશી ઉત્પાદનોને બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી આયોજિત આ મેળામાં વિવિધ સ્વદેશી ચીજવસ્તુઓના કુલ ૫૦ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ પંચાયતી રાજની સંકલ્પના દ્વારા ગામ સ્વરાજનું સ્વપ્ન જોયું હતું. ગામડાંઓમાં ગૃહઉદ્યોગોનો વિકાસ થાય, સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળે અને ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બને તે આ વિચારધારાનો મહત્ત્વનો ભાગ હતો. સ્વદેશી મેળો પણ સ્થાનિક લોકોની આવડત, મહેનત અને સર્જનાત્મકતાને બજાર સુધી પહોંચાડવાનું ઉત્તમ માધ્યમ છે. આવા મેળાઓથી નાના ઉત્પાદકોને પોતાની ચીજવસ્તુઓના વેચાણની તક મળે છે અને તેમની આર્થિક પ્રગતિને વેગ મળે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ‘હર ઘર સ્વદેશી’નો સંદેશ આપીને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ વધવાથી સ્થાનિક સ્તરે રોજગારીની તકોનું સર્જન થાય છે, દેશના ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન મળે છે અને નિકાસમાં વૃદ્ધિ દ્વારા વિદેશી હૂંડિયામણની આવક વધારવામાં મદદ મળે છે. રાજ્ય સરકાર અને ભારત સરકાર વિવિધ યોજનાઓના માધ્યમથી સ્થાનિક ઉદ્યોગો અને ઉત્પાદકોને પ્રોત્સાહન આપી રહી છે. આવા સુંદર આયોજન બદલ તેમણે શહેરી વિકાસ વિભાગ અને પાટણ નગરપાલિકાને અભિનંદન પાઠવ્યાં હતાં.
આ પ્રસંગે પાટણ નગરપાલિકાનાં પ્રમુખ ચંદ્રિકાબેન રાવલે જણાવ્યું હતું કે, મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા, તેમની સિદ્ધિઓની ઉજવણી કરવા અને તેમને પ્રોત્સાહિત કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ દિશામાં નગરપાલિકા કક્ષાએ સ્થાનિક કારીગરો અને ઉત્પાદકોને પ્રોત્સાહન મળે તથા ‘લોકલ ફોર વોકલ’ની ભાવનાને પ્રાધાન્ય મળે તે હેતુથી સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મેળામાં વિવિધ સ્વસહાય જૂથો, સ્થાનિક કારીગરો અને ઉત્પાદકો દ્વારા કુલ ૫૦ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ સ્ટોલમાં પરંપરાગત વસ્ત્રો, ફાઇલ હોલ્ડર, સાબુ, વિવિધ પ્રકારની જ્વેલરી, કુદરતી ઘરવપરાશની વસ્તુઓ, મધ તેમજ વિવિધ ખાણીપીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ મેળો સ્થાનિક ઉત્પાદકોને પોતાનાં ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય મંચ પૂરું પાડશે. સાથે જ મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગસાહસિકતા અને સ્વદેશી મૂલ્યોને પ્રોત્સાહન આપીને સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપશે.
આ સ્વદેશી મેળાના માધ્યમથી સ્થાનિક કારીગરો અને નાના ઉત્પાદકોને પોતાની કળા તથા ઉત્પાદનો લોકો સુધી પહોંચાડવાની તક મળશે. સાથે જ નાગરિકોમાં સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે જાગૃતિ વધશે અને સ્થાનિક વ્યવસાયોને નવી તકો પ્રાપ્ત થશે.
આ પ્રસંગે હુડકોના ડિરેક્ટર કે.સી. પટેલ, સંગઠનના હોદ્દેદાર રમેશભાઈ સિંધવ, પાટણ નગરપાલિકાનાં પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ચિંતનભાઈ , નવીનભાઈ સહિતના મહાનુભાવો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
