ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ‘થનગનાટ 4.0’ની ભવ્ય ઉજવણી, ભક્તિ અને સંસ્કૃતિના રંગે રંગાયા બાળગરબૈયાઓ

કેપિટલ મેસેજ
Capital message
28, October, 2026
પાટણ: નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS) અને ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીના સંયુક્ત ઉપક્રમે ‘થનગનાટ 4.0’ નવરાત્રી મહોત્સવનું ભવ્ય અને રંગારંગ આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીની આરાધના, લાઈવ ઓર્કેસ્ટ્રાના સુમધુર સૂર અને ગરબાના તાલે સમગ્ર કેમ્પસ ભક્તિ, શક્તિ અને ઉત્સાહના રંગે રંગાઈ ઊઠ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા પોલીસ વડા વી. કે. નાયી (IPS), રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર ડૉ. મેહુલ બારસારા તથા એનજીઈએસ કેમ્પસ સંચાલક ડૉ. જય ધ્રુવ વિશેષ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
કાર્યક્રમમાં બાળકોએ વિવિધ થીમ આધારિત રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ મનમોહક ગરબા અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌનાં દિલ જીતી લીધાં હતાં. ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાને આધુનિક શિક્ષણ સાથે જોડવાના સંકલ્પને આ ઉજવણીએ સાર્થક કર્યો હતો.

‘શિક્ષણ સાથે સંસ્કાર અને આધુનિકતા સાથે ભારતીય સંસ્કૃતિનું જતન’ એ એનજીઈએસ કેમ્પસની આગવી ઓળખ રહી છે. કાર્યક્રમના અંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર મહોત્સવ આનંદ, ઉમંગ અને માતાજીની ભક્તિના અવિસ્મરણીય સંભારણા સાથે સંપન્ન થયો હતો.
