ડભોઇના કુંભારવાડામાં નવરાત્રિનો ધમધમાટ પ્રજાપતિ પરિવારો માતાજીના ગરબા બનાવવામાં વ્યસ્ત

કેપિટલ મેસેજ
Capital message
ડભોઈ નવરાત્રિના પાવન પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ઐતિહાસિક ડભોઇ નગરના કુંભારવાડામાં માતાજીના ગરબા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કુંભાર પરિવારોના સભ્યો છેલ્લા કેટલાક દિવસોથી માટીના કલાત્મક ગરબા તૈયાર કરવામાં રાત-દિવસ જોતરાયા છેસમગ્ર પરિવારની સામૂહિક મહેનત ગરબા બનાવવાની પ્રક્રિયામાં સમગ્ર પરિવારનો સહયોગ જોવા મળી રહ્યો છે. કુંભાર ભાઈઓ ચાકડા પર માટીમાંથી સુઘડ ગરબા તૈયાર કરે છે, જ્યારે પરિવારની મહિલાઓ અને અન્ય સભ્યો ગરબાને આકર્ષક બનાવવા માટે રંગકામ, ઝીણવટભરી કોતરણી અને સાથિયા સહિતનું ચિતરામણ કરે છે. નવરાત્રિ નજીક આવી પહોંચતાં અત્યારે કારીગરો દ્વારા રાત-દિવસ કામગીરી કરવામાં આવી રહી છેઆસપાસના તાલુકાઓમાં પણ ભારે માંગ કુંભાર પરિવારોના જણાવ્યા મુજબ, નવરાત્રિના આશરે ૨૦ દિવસ અગાઉથી ગરબા બનાવવાની શરૂઆત કરી દેવામાં આવે છે અને બહારગામના ઓર્ડર નવરાત્રિ શરૂ થવાના ત્રણ દિવસ અગાઉ પૂર્ણ કરી પહોંચતા કરવામાં આવે છે ભાવ: એક ગરબાની કિંમત આશરે રૂ. ૨૫૦થી શરૂ થાય છે, જેમાં સાથે કોડિયું અને એક કુલડી પણ આપવામાં આવે છે

સ્થાનિક વેચાણ: ડભોઇ શહેર અને તાલુકામાં દર વર્ષે આશરે ૫૦૦થી ૭૦૦ ગરબાનું વેચાણ થાય છે અન્ય વિસ્તારોમાં સપ્લાય: અહીં હજારોની સંખ્યામાં તૈયાર થતા ગરબા કાયાવરોહણ, મંડાળા, ભીલાપુર, શિનોર, તિલકવાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોકલવામાં આવે છે. ગરબાની વધતી માંગને પગલે કુંભાર પરિવારોમાં પણ સારી એવી રોજગારી ઊભી થઈ છે.
માઈભક્તો અને યુવાધનમાં અનેરો ઉત્સાહ
બીજી તરફ, આસો નવરાત્રિ મહોત્સવને લઈને માઈભક્તો અને ખેલૈયાઓમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘરોમાં માતાજીની સ્થાપના અને ઘટસ્થાપન માટે સાફ-સફાઈ અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નવરાત્રિ દરમિયાન ઘણા ભક્તો નકોરડા ઉપવાસ રાખે છે, તો કેટલાક ભક્તો સંધ્યા આરતી બાદ એકટાણું કરીને માતાજીની આરાધના કરે છે. આ ઉપરાંત, નવ દિવસના આ પર્વ દરમિયાન અંબાજી, પાવાગઢ અને બહુચરાજી સહિતના પ્રસિદ્ધ શક્તિપીઠોના દર્શનાર્થે જવા માટે પણ ભક્તો ઉત્સાહપૂર્વક આયોજન કરી રહ્યા છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
