ડભોઇમાં નવરાત્રીના નવ દિવસની આરાધના બાદ પવિત્ર જળાશયોમાં જવારાનું વિસર્જન

ડભોઈમાં નવરાત્રિની પૂર્ણાહુતિ: નવ દિવસની ભક્તિભાવપૂર્વક આરાધના બાદ જવારાની વાડીનું તળાવોમાં ભાવભેર વિસર્જન
કેપિટલ મેસેજ
Capital message
ડભોઈ આદ્યશક્તિ મા જગદંબાની ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રિના નવમા નોરતે ડભોઈ શહેર તેમજ તાલુકામાં ધાર્મિક અને ભક્તિમય માહોલમાં જવારાની વાડીનું વિસર્જન કરવામાં આવ્યું હતું નવ દિવસ સુધી પૂર્ણ શ્રદ્ધા અને વિધિ-વિધાનથી પૂજાયેલા જવારાને પવિત્ર જળાશયોમાં પધરાવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
પ્રથમ નોરતે સ્થાપના અને નવ દિવસ અખંડ પૂજન નવરાત્રિના પ્રથમ નોરતે ઘટસ્થાપનની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં, ઘરોમાં, માતાજીના મંદિરો તેમજ નવરાત્રિ મંડળો દ્વારા પારંપરિક વૈદિક મંત્રોચ્ચાર સાથે માટીના પાત્રોમાં જવારાનું વાવેતર કરીને સ્થાપના કરવામાં આવી હતી. નવ દિવસ સુધી મા અન્નપૂર્ણા અને જગદંબાના સ્વરૂપ સમાન આ જવારાની સવાર-સાંજ અખંડ જ્યોત, ધૂપ-દીપ અને આરતી સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી.લીલાછમ જવારા: સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક હિન્દુ સંસ્કૃતિની પૌરાણિક માન્યતા મુજબ, નવરાત્રિ દરમિયાન જવારાનો સારો, લીલોછમ અને ઊંચો વિકાસ એ આગામી વર્ષ દરમિયાન પરિવાર અને સમગ્ર પંથકમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ધન-ધાન્યની પુષ્કળ વૃદ્ધિ દર્શાવતું શુભ સૂચક માનવામાં આવે છે. આ વર્ષે પણ જવારાનો વિકાસ ઉત્તમ જણાતાં શ્રદ્ધાળુઓમાં હર્ષ અને આશાનો માહોલ જોવા મળ્યો હતો.

જયઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા અને વિસર્જન નવમા નોરતે વિધિવત પૂજા-અર્ચના સંપન્ન થયા બાદ માતાજીની જવારાની વાડીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ‘બોલ માડી અંબે, માત કી જય’ અને ‘જય માતાજી’ના ગગનભેદી નારાઓ સાથે ડભોઈના મુખ્ય માર્ગો પરથી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને વડીલો પરંપરાગત વસ્ત્રોમાં જોડાયા હતા. માથે જવારાના પાત્રો ધારણ કરીને નીકળેલી મહિલાઓના ભક્તિભાવથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.ત્યારબાદ ડભોઈના ઐતિહાસિક તેન તળાવ સહિતના વિવિધ સ્થાનિક તળાવો અને જળાશયોમાં શ્રદ્ધાભેર મંત્રોચ્ચાર સાથે જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભક્તોએ માતૃશક્તિ તેમજ પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી સૌના કલ્યાણ અને આરોગ્ય માટે માતાજી સમક્ષ પ્રાર્થના કરી હતી.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
