શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણ ખાતે સુપરવાઈઝર કપૂરજી ઠાકોર અને સેવક દિનેશભાઈ ભીલનો ભવ્ય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો

કપૂરજી ઠાકોર ની 27 વર્ષ અને દિનેશભાઈ ભીલની 33 વર્ષની નિષ્ઠાપૂર્ણ સેવાને બિરદાવતાં શાળા પરિવાર દ્વારા થયું ભાવભર્યું સન્માન
કપૂરજી ઠાકોર દ્વારા વિદ્યાર્થીઓના ઇનામો માટે રૂ. 1,51,000 નું અનુદાન તથા શાળાના વિદ્યાર્થીઓ માટે ગ્રીન નેટ આપવાની થઈ જાહેરાત
કપૂરજી ઠાકોર દ્વારા શાળાના વિધાર્થીઓને કરાવ્યું લાડું સહિત સમૂહ ભોજન
કેપિટલ મેસેજ
Capital message
ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણ ખાતે તારીખ 16 ઓક્ટોબર, 2026ના રોજ શાળાના માધ્યમિક વિભાગના નિવૃત્ત થતા સુપરવાઈઝર કપૂરજી બી. ઠાકોર અને સેવક દિનેશભાઈ સી. ભીલનો ભવ્ય નિવૃત્તિ સન્માન સમારોહ શાળાના પટાંગણમાં યોજાયો હતો. શાળામાં સુપરવાઈઝર તરીકે 27 વર્ષ સુધી સેવાઓ આપનાર કપૂરજી ઠાકોર તથા સેવક તરીકે 33 વર્ષ સુધી ફરજ બજાવનાર દિનેશભાઈ ભીલે પોતાની નિષ્ઠા, કર્મઠતા અને સેવાભાવથી શાળાના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમની વર્ષોની સેવાઓને બિરદાવવા યોજાયેલા આ સમારોહમાં લાગણીસભર વાતાવરણ સર્જાયું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉત્તર ગુજરાત યુવક મંડળના મંત્રી મનસુખભાઈ એન. પટેલ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ કે. પટેલ, સહમંત્રી અશોકભાઈ પટેલ, કારોબારી સભ્ય મનોજભાઈ પટેલ તથા મંડળના વહીવટી અધિકારી દિનેશભાઈ પટેલ, ભગિની સંસ્થા એન જી. પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય વસંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત શાળાના કલાવૃંદ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી તેમનો પરિચય આપ્યો હતો. શાળામાંથી નિવૃત્ત થતા બંને કર્મચારી મિત્રોને શાળા પરિવાર વતી શુભકામનાઓ પાઠવી હતી.
નિવૃત્ત થતા બંને કર્મચારીઓની શાળાપ્રત્યેની સેવાઓ અને તેમના કાર્યકાળની સ્મૃતિઓને વાગોળતાં વિરમજી ઠાકોરે પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ અરુણાબેન પટેલ અને મુકેશભાઈ અસારી દ્વારા બંને કર્મચારીઓના સન્માનપત્રોનું વાંચન કરવામાં આવ્યું હતું.
મંડળના હોદ્દેદારો, આચાર્ય તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઈઝરની ઉપસ્થિતિમાં કપૂરજી બી. ઠાકોરને શાલ ઓઢાડીને, શ્રીફળ, સાકર, સવા રૂપિયો અને શાળાની પરંપરા મુજબ ૧૦૦ ગ્રામ ચાંદીનો સિક્કો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળા મંડળી વતી ડૉ. ગીતાબેન પરમારે પણ શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું. એ જ રીતે દિનેશભાઈ સી. ભીલનું પણ મંડળના હોદ્દેદારો તથા આચાર્ય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શાળા મંડળી વતી ભગવાનદાસ આડતાણીએ તેમને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.

અમારી ભગિની સંસ્થા શેઠ શ્રી એન.જી. પટેલ પ્રાથમિક શાળા પરિવાર દ્વારા પણ નિવૃત થતા બન્ને કર્મચારી મિત્રો નું સન્માન કરવામાં આવ્યું. NCC કેડેટ્સ દ્વારા નિવૃત થતા સુપરવાઇઝર શ્રી કપૂરજી ઠાકોરનું ભેટ આપી સન્માન કરવામાં આવ્યું.
નિવૃત્તિના આ પ્રસંગને માત્ર વિદાય સમારોહ પૂરતો મર્યાદિત ન રાખતાં કપૂરજી ઠાકોરે શાળા અને વિદ્યાર્થીઓ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરતાં શાળાના વિદ્યાર્થીઓને ઇનામો આપવા માટે રૂ. 1,51,000/- નું અનુદાન આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત શાળાના પટાંગણમાં શાળાના વિદ્યાર્થીઓને બેસવા માટે ગ્રીન નેટ આપવાની પણ જાહેરાત કરી હતી. તેમણે શાળામાં તમામ વિદ્યાર્થીઓ માટે લાડુ સહિતના સમૂહ ભોજનની વ્યવસ્થા પણ કરી હતી. નિવૃત્તિના અવસરે વિદ્યાર્થીઓના હિત માટે કરવામાં આવેલી આ જાહેરાતો તેમની શાળા પ્રત્યેની આત્મીયતા અને સેવાભાવને ઉજાગર કરે છે.

આ સમારોહમાં મંડળના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ કે. પટેલે નિવૃત્ત થતા બંને કર્મચારીઓની સેવાઓને બિરદાવી હતી અને તેમના નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મંડળના મંત્રી મનસુખભાઈ એન. પટેલે પણ બંને કર્મચારીઓની વર્ષોની નિષ્ઠાપૂર્ણ કામગીરીની પ્રશંસા કરી હતી અને નિવૃત્ત જીવન સુખમય, સ્વસ્થ અને આનંદમય બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન શાળાનાં શિક્ષિકાબહેનો શિલ્પાબેન એમ. દેસાઈ અને વર્ષાબેન પટેલે કર્યું હતું. વર્ષો સુધી શાળાની શૈક્ષણિક અને વહીવટી વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપનાર બંને કર્મચારીઓના સન્માન સાથે સમારોહ લાગણીસભર રીતે સંપન્ન થયો હતો.
