સતર્કતા જાગૃતિ સપ્તાહ’ અંતર્ગત પાટણ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ લીધા પ્રામાણિકતા અને સતર્કતાના શપથ
માહિતી બ્યુરો, પાટણ
૦૨/૧૧/૨૦૨૬
દેશના આર્થિક, રાજકીય અને સામાજિક વિકાસમાં ભ્રષ્ટાચારમુક્ત વાતાવરણનું નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે પાટણ જિલ્લા માહિતી કચેરી દ્વારા ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬’ અંતર્ગત શપથગ્રહણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કચેરીના તમામ કર્મયોગીઓએ ઉપસ્થિત રહીને દેશ અને સમાજ પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી હતી તથા ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સક્રિય સહયોગ આપવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.
આ વર્ષના “Probity for Prosperity” (સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ) વિષય-વસ્તુને અનુસરીને તમામ કર્મચારીઓએ પોતાની ફરજ દરમિયાન સંપૂર્ણ પ્રામાણિકતા અને સત્યનિષ્ઠા જાળવી રાખવા પ્રતિજ્ઞા લીધી હતી. સરકારી કામકાજમાં પારદર્શિતા લાવવા, જાહેર હિતમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા અને કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારથી દૂર રહીને સમાજમાં ઉદાહરણરૂપ વર્તન પૂરું પાડવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા ગત તા. ૩૧-૧૦-૨૦૨૬ થી આગામી તા. ૦૬-૧૧-૨૦૨૬ દરમિયાન ‘Vigilance Awareness Week’ (સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬)ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ વિભાગો, ખાતાના વડાઓની કચેરીઓ, બોર્ડ-નિગમો, જાહેર સાહસો અને સ્થાનિક સત્તા મંડળો દ્વારા વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
