રાધનપુર GIDCમાં દેવીકૃપા પ્રોટીન્સ પર ફૂડ વિભાગની તવાઈ: રૂ. 1.60 લાખનો ખાદ્યતેલનો જથ્થો જપ્ત, ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ
યુનિટમાં અત્યંત અસ્વચ્છતા, પક્ષીઓનાં માળાં અને કરોળિયાનાં જાળાં મળી આવ્યાં; સોયાબીન તેલના બે અને સીંગતેલનો એક નમૂનો લેબોરેટરીમાં મોકલાયો
કેપિટલ મેસેજ
Capital message
31, October, 2026
રાધનપુર: રાધનપુરના GIDC વિસ્તારમાં ખાદ્યતેલના ઉત્પાદન અને પેકિંગ સાથે સંકળાયેલા એકમ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, પાટણની ટીમે કાર્યવાહી હાથ ધરતાં ખાદ્યતેલના રૂ. 1.60 લાખની કિંમતના જથ્થાને જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન ગંભીર બેદરકારી અને અસ્વચ્છતા સામે આવતાં મે. દેવીકૃપા પ્રોટીન્સનું ફૂડ લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જાહેર આરોગ્યના હિતમાં નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્યતેલ મળી રહે તે હેતુથી ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, પાટણની ટીમ દ્વારા રાધનપુર GIDC ખાતે આવેલા મે. દેવીકૃપા પ્રોટીન્સ, પ્લોટ નં. 233 અને 234 ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ એકમનું સંચાલન નિતેશભાઈ મહેશ્વરી દ્વારા કરવામાં આવે છે.
તપાસ દરમિયાન યુનિટની અંદર અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિ જોવા મળી હતી. ઉત્પાદન એકમમાં પક્ષીઓનાં માળાં અને કરોળિયાનાં જાળાં મળી આવ્યાં હતાં. આ ઉપરાંત ખાદ્યતેલના પેકિંગ માટે જૂનાં 15 કિલોગ્રામનાં ટીનનો ઉપયોગ થતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું. ખાદ્યતેલ જેવી ખાદ્ય સામગ્રીના ઉત્પાદન અને પેકિંગમાં સ્વચ્છતાના નિયમોનું પાલન અત્યંત જરૂરી હોવા છતાં આવી સ્થિતિ સામે આવતાં તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી.
આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે પેઢીનું ફૂડ લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી હતી. સાથે જ તપાસ દરમિયાન પૃથ્થકરણ માટે કુલ ત્રણ નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં સોયાબીન તેલના બે અને સીંગતેલનો એક નમૂનો સામેલ છે. આ તમામ નમૂનાઓને લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
હવે લેબોરેટરીના પૃથ્થકરણ અહેવાલની રાહ જોવાઈ રહી છે. અહેવાલ પ્રાપ્ત થયા બાદ નિયમો મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાધનપુર GIDCમાં ખાદ્યતેલના એકમમાં આટલી ગંભીર અસ્વચ્છતા સામે આવતાં ખાદ્ય સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે ફૂડ વિભાગ દ્વારા આવી તપાસ અને કાર્યવાહી સતત ચાલુ રહે તેવી લોકમાંગ ઊઠી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
