પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક સેન્ટરનો પ્રારંભ

મહિલાઓની સમસ્યાઓના નિરાકરણ અને પારિવારિક વિવાદોના સુખદ સમાધાન માટે બનશે મદદરૂપ
કેપિટલ મેસેજ
Capital message
31, October, 2026
પાટણ: બનાસકાંઠા રેન્જના આઈ.જી. પરીક્ષિતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈના માર્ગદર્શન હેઠળ પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ ‘મહિલા હેલ્પ ડેસ્ક સેન્ટર’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સેન્ટરનું ઉદ્ઘાટન યોગીનીબેન વ્યાસ અને સંધ્યાબેન પ્રધાનના હસ્તે રિબીન કાપીને કરવામાં આવ્યું હતું.

મહિલાઓને સામાજિક, પારિવારિક તેમજ શારીરિક અને માનસિક સમસ્યાઓના કિસ્સાઓમાં યોગ્ય માર્ગદર્શન અને સહાય મળી રહે તે હેતુથી આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઘરેલુ હિંસા, પતિ-પત્ની વચ્ચેના વિવાદો તથા IPCની કલમ 498A જેવા કાયદાકીય મુદ્દાઓને લગતી સમસ્યાઓમાં પીડિત મહિલાઓને સાંભળીને યોગ્ય માર્ગદર્શન આપવા અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આ સેન્ટર મદદરૂપ બનશે.

આ પ્રસંગે એ-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ભોંયેએ જણાવ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચે થતા ગૃહક્લેશ અને પારિવારિક ઝઘડાઓમાં સુખદ સમાધાન કરાવવામાં મહિલા હેલ્પ ડેસ્ક સેન્ટર મહત્ત્વની ભૂમિકા ભજવશે. મહિલાઓની સમસ્યાઓને સંવેદનશીલતાથી સાંભળીને તેમના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવા માટે આ સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થશે.

મહિલાઓને મુશ્કેલીના સમયે યોગ્ય સહાય, માર્ગદર્શન અને પોતાની વાત રજૂ કરવા માટે એક વિશ્વાસપાત્ર માધ્યમ મળી રહે તે દિશામાં પાટણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ મહત્ત્વપૂર્ણ બની રહેશે.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
