રાધનપુરના ગીચ બજારમાં ફટાકડાની હાટડીઓનો રાફડો ફાટ્યો!

કેપિટલ મેસેજ
Capital message
01, November, 2026
પરવાનગી અને સલામતીના નિયમોનું પાલન થાય છે કે કેમ? તંત્રની કામગીરી સામે સવાલો- નગરપાલિકા દ્વારા વેચાણ માટે યોગ્ય જગ્યા ફાળવવામાં ન આવતાં વેપારીઓ રસ્તા પર ઉતર્યા હોવાની રજૂઆત; ગીચ બજારમાં આગ કે દુર્ઘટનાનું જોખમ, જવાબદાર વિભાગો તાત્કાલિક તપાસ કરે તેવી માંગ
રાધનપુર શહેરમાં તહેવારોના માહોલ વચ્ચે ફટાકડાના વેચાણને લઈને સલામતીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. શહેરના મુખ્ય બજાર સહિતના ગીચ વિસ્તારોમાં ફટાકડાની હાટડીઓ, લારીઓ અને સ્ટોલ ધમધમવા લાગતાં નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ફટાકડા જેવા જ્વલનશીલ પદાર્થોનું વેચાણ જાહેર માર્ગો અને ભીડભાડવાળા વિસ્તારોમાં થતું હોવાની સ્થિતિ વચ્ચે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, ફટાકડાના વેચાણ માટે જરૂરી લાયસન્સની પ્રક્રિયા અંતર્ગત નાયબ કલેક્ટર કચેરીમાં રૂ. ૯૦૦ની નિયત ફી ભરવામાં આવી છે તેમજ પોલીસ વિભાગમાંથી જરૂરી દાખલાઓ પણ મેળવવામાં આવ્યા છે. તેમ છતાં નગરપાલિકા દ્વારા ફટાકડાના વેચાણ માટે કોઈ યોગ્ય અને સુરક્ષિત સ્થળની વ્યવસ્થા કરવામાં આવી ન હોવાની વેપારીઓની રજૂઆત છે. પરિણામે વેપારીઓને રસ્તા પર હાટડીઓ અને લારીઓ ગોઠવીને વેચાણ કરવાની ફરજ પડી હોવાની સ્થિતિ સર્જાઈ છે.

બીજી તરફ, ગીચ બજારમાં ફટાકડાનું વેચાણ થતું હોય ત્યારે આગ લાગવા જેવી દુર્ઘટના સર્જાય તો તેની ગંભીર અસરો થઈ શકે છે. બજારમાં ખરીદી માટે આવતા નાગરિકો, રાહદારીઓ અને આસપાસના દુકાનદારોની સુરક્ષા પણ જોખમાઈ શકે છે. ત્યારે ફટાકડાની હાટડીઓ પાસે જરૂરી લાયસન્સ, અગ્નિશામક સાધનો, સુરક્ષિત અંતર અને અન્ય સલામતીનાં નિયમોનું પાલન થાય છે કે કેમ તેની તપાસ અત્યંત જરૂરી બની છે.
સૌથી મોટો સવાલ એ છે કે વેપારીઓને સુરક્ષિત સ્થળ ફાળવવાની જવાબદારી કોની છે? નગરપાલિકા દ્વારા સમયસર જગ્યા ફાળવવામાં કેમ આવી નથી? જાહેર માર્ગો પર ફટાકડાનું વેચાણ થતું હોવા છતાં સંબંધિત વિભાગો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે કે કેમ?
શહેરના નાગરિકોની માંગ છે કે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં નગરપાલિકા, પોલીસ, મહેસૂલ તંત્ર અને ફાયર વિભાગ સંયુક્ત રીતે તમામ હાટડીઓની તપાસ કરે. નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને વેપારીઓને યોગ્ય સુરક્ષિત સ્થળ ફાળવવામાં આવે. તહેવારોની ઉજવણી વચ્ચે નાગરિકોની સલામતી સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ, રાધનપુર
