નવરાત્રિ શક્તિપર્વ-2026: નવ દેવસ્થાનોમાં જગતજનનીની આરાધના સાથે ગુંજશે ગરબાની રમઝટ
ભક્તિની ભાવના, શક્તિની આરાધના અને ગરબાના રંગે ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિની સાધના…
કેપિટલ મેસેજ
Capital message
નવરાત્રિ એટલે આદ્યશક્તિ જગતજનની મા અંબાની આરાધના, શક્તિની ઉપાસના અને ભક્તિભાવથી તરબોળ થઈને ગરબે ઘૂમવાનો પાવન અવસર. નવરાત્રિનો પર્વ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક છે. આ પાવન પર્વ નિમિત્તે ગુજરાતમાં ભક્તિ અને શક્તિના અદભુત સંગમ સમાન ‘નવરાત્રિ શક્તિપર્વ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યનાં નવ પ્રખ્યાત દેવસ્થાનો અને શક્તિપીઠોમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો દ્વારા માતાજીની આરાધના સાથે ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ, પરંપરાગત ગરબા અને આધ્યાત્મિક વારસાને ઉજાગર કરવાનો સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
આ પાવન અવસરે શ્રી અંબાજી શક્તિપીઠ, શ્રી બહુચરાજી શક્તિપીઠ, શ્રી ઉમિયા માતાજી મંદિર ઊંઝા, શ્રી આશાપુરા માતાજી મંદિર માતાનામઢ, શ્રી ચામુંડા માતાજી મંદિર ચોટીલા, શ્રી મહાકાળી માતાજી મંદિર પાવાગઢ, શ્રી ભદ્રકાળી માતાજી મંદિર અમદાવાદ, શ્રી હરસિદ્ધિ માતાજી મંદિર કોયલા ડુંગર, દેવભૂમિ દ્વારકા સહિતનાં પવિત્ર દેવસ્થાનોમાં ભક્તિભાવપૂર્ણ માહોલ વચ્ચે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પ્રસિદ્ધ કલાકારોની ઉપસ્થિતિમાં ભક્તિગીતો, માતાજીની સ્તુતિ અને પરંપરાગત ગરબાની રમઝટથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનશે.
નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીનાં દર્શન, પૂજન-અર્ચન અને શક્તિની ઉપાસના સાથે ગરબાની પરંપરા ભક્તોને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવશે. રંગબેરંગી પરંપરાગત પોશાક, તાલબદ્ધ ગરબા અને લોકસંગીતની મધુર સુરાવલીઓ ગુજરાતની આગવી સાંસ્કૃતિક ઓળખને વધુ ઉજાગર કરશે.
‘નવરાત્રિ શક્તિપર્વ-2026’ માત્ર એક ઉત્સવ નહીં, પરંતુ આસ્થા, સંસ્કૃતિ અને સામૂહિક એકતાનો મહોત્સવ છે. આ આયોજન નવી પેઢીને ગુજરાતની પરંપરાઓ સાથે જોડવાની સાથે શક્તિ ઉપાસનાની સનાતન ભાવનાને પણ પ્રબળ બનાવશે. જગતજનની મા અંબાના આશીર્વાદ સાથે ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિના રંગે રંગાયેલું આ શક્તિપર્વ ગુજરાતની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતને નવી ઊંચાઈએ લઈ જશે.
રાજેશ જાદવ, પાટણ
કેપિટલ મેસેજ
Capital message
