રાધનપુરમાં ત્રીજા નોરતે ગરબાના તાલે ઝૂમ્યું આશાપુરા પાર્ટી પ્લોટ, માનસી દવે અને ખુમેશ રાયકાની રજૂઆતથી જામ્યો માહોલ

પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી; પોલીસ પેટ્રોલિંગ, સી-ટીમ અને CCTV સહિતની વ્યવસ્થા વચ્ચે નવરાત્રિની રંગત જામી
કેપિટલ મેસેજ
Capital message
નવરાત્રિ એટલે માતાજીની આરાધના સાથે સંગીતના સૂર, રંગબેરંગી પોશાક અને ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાઓનો ઉત્સવ. રાધનપુરમાં ત્રીજા નોરતે આ ઉત્સવી માહોલ વધુ રંગીન બન્યો હતો. વારાહી હાઈવે પર રાઘવજી હોટેલ નજીક આવેલા આશાપુરા પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ રહેલા ‘માં નવરાત્રી રાધનપુર’ મહોત્સવમાં ગરબાના તાલે ખેલૈયાઓએ નવરાત્રિની પરંપરાને જીવંત બનાવી હતી.
ત્રીજા નોરતાની સાંજે માતાજીની આરતી બાદ ગરબાની શરૂઆત થતાં જ ઉત્સવનો માહોલ જામ્યો હતો. પરંપરાગત પોશાકમાં સજ્જ યુવક-યુવતીઓએ તાલબદ્ધ પગલાં અને આકર્ષક ગરબા રજૂ કરીને નવરાત્રિની રોનક વધારી હતી. સંગીતના સૂર સાથે ગરબાના તાલે સમગ્ર પાર્ટી પ્લોટમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

માનસી દવે અને ખુમેશ રાયકાની રજૂઆતે વધારી ગરબાની રંગત:
ત્રીજા નોરતાના કાર્યક્રમમાં કલાકારો માનસી દવે અને ખુમેશ રાયકાની સંગીતમય રજૂઆત વિશેષ આકર્ષણ બની હતી. કલાકારોના સૂર અને ગરબાની ધૂન સાથે ખેલૈયાઓએ ઉત્સાહપૂર્વક ગરબે ઘૂમીને નવરાત્રિની મજા માણી હતી. સંગીત અને પરંપરાના સમન્વયે મહોત્સવમાં ઉત્સવનો માહોલ વધુ જીવંત બન્યો હતો.
ગરબાની સાથે સુરક્ષા વ્યવસ્થા પર પણ ધ્યાન:
નવરાત્રિના મહોત્સવમાં ખેલૈયાઓની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે રાધનપુર પોલીસ નું પેટ્રોલિંગ તથા સી-ટીમની કામગીરી સતત કાર્યરત છૅ.સાથે જ CCTV કેમેરા, બાઉન્સર અને સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ગરબાની રમઝટ વચ્ચે સુરક્ષાને પ્રાધાન્ય આપીને મહોત્સવને સુવ્યવસ્થિત રાખવાના પ્રયાસો જોવા મળ્યા હતા.
રાધનપુરમાં ‘માં નવરાત્રી’નો ત્રીજો નોરતો ભક્તિ, સંગીત અને પરંપરાગત ગરબાની રંગત સાથે યાદગાર માહોલ સર્જતો રહ્યો હતો. કલાકારોની રજૂઆત અને ખેલૈયાઓના ઉત્સાહે નવરાત્રિના ઉત્સવમાં નવી રોનક ભરી હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
