ધારપુર-પાટણ ખાતે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસની ઉજવણી

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના GMERS Medical College and Hospital ખાતે કાર્યરત DEIC (ડિસ્ટ્રિક્ટ અર્લી ઈન્ટરવેન્શન સેન્ટર) વિભાગ દ્વારા 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓ, તબીબો તેમજ ઓટિઝમ પીડિત બાળકો અને તેમના વાલીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે RCHO, THO પાટણ, એડિશનલ MS, RMO તથા પીડિયાટ્રિક વિભાગના તબીબો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત RBSK ટીમના નોડલ અધિકારીઓ અને સભ્યોની હાજરીએ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત તબીબોએ ઓટિઝમ વિષય પર માર્ગદર્શન આપતાં તેના લક્ષણો, વહેલી ઓળખ અને યોગ્ય થેરાપી દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી મુદ્દાઓ સરળ ભાષામાં સમજાવ્યા હતા, જે વાલીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થયા.

વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ નિમિત્તે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો તેમજ ઓટિઝમ ધરાવતા બાળકોને સમાનતા અને સમાવેશપૂર્ણ વાતાવરણ મળે તે હેતુસર વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. બાળકો માટે રમૂજી અને શૈક્ષણિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ઉપરાંત બાળકોને પોષણયુક્ત નાસ્તો અને પ્રોત્સાહનરૂપે ઉપયોગી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ આયોજનને સફળ બનાવવા DEIC વિભાગના ડૉ. દામિની પટેલ, પ્રિયંશી ભોજક, મિહિર પટેલ, જલ્પા પંચાલ, સમીર રાવત, મેહુલ જાદવ, બિનલ પ્રજાપતિ, રોહિત પટેલ સહિતના સ્ટાફ અને પીડિયાટ્રિશિયન તબીબોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ પ્રસંગે તબીબી અધિક્ષક ડૉ. પારૂલ શર્માના માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દ્વારા ઓટિઝમ વિશે જાગૃતિ ફેલાવવાનો તથા બાળકો અને તેમના વાલીઓને સહાયરૂપ બનવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
