રાધનપુરના મહેમદાવાદ ગામે 112 જનરક્ષકની સમયસૂચકતાથી યુવકનો જીવ બચ્યો-112 જનરક્ષક ટિમ બની માનવતાની મિસાલ

પિતાની ફરિયાદ બાદ 112 જનરક્ષક ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી – સમયસૂચકતા અને અને સમયસર ની મદદથી બચ્યો યુવકનો જીવ
કેપિટલ મેસેજ
Capital message
રાધનપુરના મહેમદાવાદ ગામે 112 જનરક્ષક ટીમની સતર્કતા, સમયસૂચકતા અને ત્વરિત કામગીરીથી ગંભીર પરિસ્થિતિમાં યુવકનો જીવ બચાવવામાં આવ્યો હતો. મહેમદાવાદ ગામે પિતા રામસંગભાઈને પુત્ર બાબુભાઈ રામસંગભાઈ હેરાન કરતા હોવાની ફરિયાદને પગલે પિતાએ 112 જનરક્ષક ઈમરજન્સી સેવાની મદદ માંગી હતી. ફરિયાદ મળતાં જ ઘટનાની ગંભીરતા સમજી 112 જનરક્ષક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસ ટીમ સ્થળ પર પહોંચતા જ યુવક બાબુભાઈ રામસંગભાઈએ ધારદાર હથિયારથી પોતાના જમણા હાથ પર ઇજા કરી નસ કાપીને આત્મઘાતી પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. યુવક ગંભીર રીતે લોહીલુહાણ થઈ જતાં સ્થળ પર હાજર 112 જનરક્ષક ટીમે કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.
ડ્યુટી પર તૈનાત 112 જનરક્ષકના ઈનચાર્જ હેડ કોન્સ્ટેબલ અમરતભાઈ ભરવાડ, કોન્સ્ટેબલ મહાદેવભાઈ આહીર તથા ડ્રાઈવર કુલદીપભાઈએ તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે 108ની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં યુવકનું વધુ લોહી વહી ન જાય અને તેની સ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે 112ની ટીમે સ્થળ પર જ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી.

108ની રાહ જોયા વિના 112 ટીમે સંભાળી કમાન, ત્વરિત કામગીરીથી ટળી ગંભીર સ્થિતિ:
ગંભીર પરિસ્થિતિમાં સમય ગુમાવ્યા વિના લેવાયેલા નિર્ણાયક પગલાં અને સ્થળ પર આપવામાં આવેલી પ્રાથમિક સારવારથી યુવકને સમયસર મદદ મળી હતી. 112 જનરક્ષક ટીમની સતર્કતા અને માનવતાવાદી અભિગમના કારણે યુવકનો કિંમતી જીવ બચાવવામાં સફળતા મળી હતી.
કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી સાથે કટોકટીની ઘડીએ માનવજીવન બચાવવા માટે 112 ટીમે દાખવેલી સમયસૂચકતા અને ત્વરિત નિર્ણયશક્તિની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે. ગંભીર સ્થિતિમાં પોલીસ ટીમે કરેલી માનવતાવાદી કામગીરીને પગલે ગ્રામજનો અને સ્થાનિક લોકો દ્વારા 112 જનરક્ષક ટીમની સરાહના કરવામાં આવી રહી છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
