સમી તાલુકા પંચાયત પાસે થરાદ-અમદાવાદ એસ.ટી. બસ ખોટકાઈ, મુસાફરો પરેશાન

ધખધખતી ગરમીમાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને તડકામાં ઉભા રહેવાનો વારો આવ્યો..
“સલામત સવારી એસટી અમારી” નાં સૂત્ર ખોખલા પડ્યા – એસટી બસો ખોટવાયાનાં પ્રમાણમાં સતત વધારો,એસ.ટી. વિભાગ દ્વારા બસોની નિયમિત તપાસ અને જાળવણી અંગે સવાલો ઉઠ્યા..
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લાના સમી તાલુકા પંચાયત નજીક આજે થરાદથી અમદાવાદ જતી એસ.ટી. બસમાં અચાનક ગેર બોક્સમાં ટેક્નિકલ ખામી સર્જાતા બસ રસ્તા વચ્ચે જ બંધ પડી હતી. બસ ખોટકાતા મુસાફરોમાં ભારે હાલાકી સર્જાઈ હતી અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.બસમાં મુસાફરી કરતા મુસાફરોમાં મહિલાઓ, વૃદ્ધો, બાળકો તેમજ રોજગાર અને કામકાજ માટે અમદાવાદ તરફ જતા લોકોનો સમાવેશ થતો હતો. બસ અચાનક બંધ પડી જતા મુસાફરોને ધખધખતી ગરમી વચ્ચે રસ્તા પર તડકામાં ઉભા રહી બીજી બસની રાહ જોવી પડી હતી. ગરમી અને લાંબી રાહને કારણે મુસાફરોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.

સ્થળ પર હાજર મુસાફરોએ જણાવ્યું હતું કે એસ.ટી. બસોની યોગ્ય સમયસર જાળવણી ન થવાને કારણે વારંવાર આવી સમસ્યાઓ ઉભી થાય છે, જેના કારણે સામાન્ય મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ગરમીના સમયમાં આવી પરિસ્થિતિ મુસાફરો માટે વધુ કપરા સાબિત થાય છે.બસ ખોટકાતા રસ્તા પર થોડો સમય ટ્રાફિક પણ અસરગ્રસ્ત બન્યો હતો. બાદમાં એસ.ટી. તંત્ર દ્વારા બીજી બસની વ્યવસ્થા કરવામાં આવતા મુસાફરોને આગળ અમદાવાદ તરફ રવાના કરવામાં આવ્યા હતા. જોકે લાંબા સમય સુધી રાહ જોવી પડતા મુસાફરોમાં તંત્ર પ્રત્યે અસંતોષ જોવા મળ્યો હતો.
મુસાફરોએ માંગ કરી હતી કે એસ.ટી. વિભાગ દ્વારા બસોની નિયમિત તપાસ અને જાળવણી કરવામાં આવે જેથી મુસાફરોને આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
