રાધનપુર મુખ્ય બજારનો રસ્તો 7 દિવસથી બંધ : વેપારીઓમાં ભારે રોષ

નગરપાલિકાના અણઆવડતભર્યા આયોજન સામે વેપારીઓની ઉગ્ર રજૂઆત, રસ્તો તાત્કાલિક ખોલવા માંગ
કેપિટલ મેસેજ
Capital message
રાધનપુર : રાધનપુર શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં નગરપાલિકાના અણઆવડતભર્યા અને આયોજન વગરના વહીવટના કારણે છેલ્લા સાત દિવસથી મુખ્ય રસ્તો બંધ રહેતા વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મુખ્ય બજારના રસ્તા વચ્ચે કપચી નાખી દેવામાં આવતાં માર્ગ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે. સીઝનના સમયગાળામાં બજારનો મુખ્ય માર્ગ બંધ થઈ જતાં વેપારીઓના ધંધા-રોજગારને ગંભીર અસર પહોંચી રહી છે અને વેપારીઓને મોટાપાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
મુખ્ય બજાર રાધનપુર શહેરનો મહત્વનો વેપારી વિસ્તાર હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોય છે. ત્યારે રસ્તો બંધ કરી દેવામાં આવતા વેપારીઓના ધંધા પર સીધી અસર પડી રહી છે. વેપારીઓનો આક્ષેપ છે કે નગરપાલિકાએ વિકાસના કામમાં ઉતાવળ કરી પરંતુ કામ શરૂ કરતાં પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા, લોકોની અવરજવર, વેપારીઓના ધંધા તથા શાળાના બાળકોની મુશ્કેલી અંગે યોગ્ય આયોજન કર્યું નથી.

ખાસ કરીને મુખ્ય બજાર નજીક આવેલી K.B. સ્કૂલના વિદ્યાર્થીઓને પણ અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છે. પ્રજાની રોજિંદી અવરજવર અને વેપારીઓના ધંધાને અસર થાય તે રીતે આખો રસ્તો સાત દિવસ સુધી બંધ રાખવામાં આવતા નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
વિપક્ષી સદસ્યો સાથે વેપારીઓની નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત
આ સમગ્ર મામલે રોષે ભરાયેલા વેપારીઓ વિપક્ષી સદસ્ય જયાબેન ઠાકોર અને ભરતસિંહ જાડેજા સાથે નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. વેપારીઓએ મુખ્ય બજારનો રસ્તો તાત્કાલિક ખુલ્લો કરી અવરજવર સરળ બનાવવા તથા કામગીરી માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.
વેપારીઓના જણાવ્યા મુજબ, ચીફ ઓફિસર સમક્ષ વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો સ્પષ્ટ અને સંતોષકારક ઉકેલ આપવામાં આવ્યો ન હતો. વેપારીઓનો આક્ષેપ છે કે જવાબદાર અધિકારી દ્વારા સમસ્યાની જવાબદારી અંગે સ્પષ્ટતા કરવાને બદલે કન્સલ્ટન્ટ તરફ જવાબદારી ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના કારણે વેપારીઓમાં વધુ નારાજગી જોવા મળી હતી.
અગાઉ વરસાદી પાણીથી નુકસાન, હવે રસ્તો બંધ થતાં ધંધો ઠપ
વેપારીઓએ જણાવ્યું હતું કે અગાઉ ભારે વરસાદ દરમિયાન વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જવાથી માલસામાનને નુકસાન થયું હતું. તે નુકસાનમાંથી વેપારીઓ હજુ બહાર આવ્યા નથી ત્યાં હવે મુખ્ય બજારનો રસ્તો બંધ કરી દેવામાં આવતા ધંધો વધુ પ્રભાવિત થયો છે.
વેપારીઓનો સવાલ છે કે નગરપાલિકાની કામગીરી અને આયોજનની ખામીનો ભોગ વારંવાર વેપારીઓ અને સામાન્ય પ્રજાએ જ કેમ બનવું પડે? વિકાસના કામો જરૂરી છે, પરંતુ કામ દરમિયાન પ્રજાને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને વેપારીઓનો ધંધો ચાલુ રહે તે માટે વૈકલ્પિક માર્ગ કે તબક્કાવાર કામગીરીનું આયોજન કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે.
નુકસાનની ભરપાઈની માંગ
વિપક્ષી સદસ્ય જયાબેન ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે, મુખ્ય બજારનો રસ્તો તાત્કાલિક ધોરણે ખુલ્લો કરવામાં નહીં આવે તો છેલ્લા સાત દિવસથી ધંધો બંધ અથવા મંદ પડવાના કારણે વેપારીઓને થયેલા મોટા આર્થિક નુકસાનની જવાબદારી નગરપાલિકાએ લેવી જોઈએ અને યોગ્ય વળતર અંગે વિચારણા કરવી જોઈએ.
વેપારીઓએ પણ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ધોરણે રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે અને કામગીરી માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તમામ વેપારીઓ એકત્રિત થઈ આંદોલનાત્મક માર્ગ અપનાવશે.

પાલિકાના આયોજન સામે અનેક સવાલો
મુખ્ય બજાર જેવા વ્યસ્ત વિસ્તારમાં કામ શરૂ કરતાં પહેલાં ટ્રાફિક વ્યવસ્થા, વેપારીઓ માટે અવરજવર, શાળાના વિદ્યાર્થીઓની સલામતી અને વૈકલ્પિક માર્ગ અંગે પૂરતું આયોજન કેમ કરવામાં આવ્યું નહીં? રસ્તો કેટલા સમય માટે બંધ રાખવાનો છે અને કામ પૂર્ણ કરવાની ચોક્કસ સમયમર્યાદા શું છે? જેવા સવાલો હવે વેપારીઓ અને સ્થાનિકોમાંથી ઉઠી રહ્યા છે.
વેપારીઓની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક સ્થળ પરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરે, રસ્તો અવરજવર માટે ખુલ્લો કરે અથવા કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વ્યવસ્થિત વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ કરાવે. વિકાસના કામના નામે પ્રજા અને વેપારીઓને લાંબા સમય સુધી મુશ્કેલી ન પડે તે માટે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ રજૂઆતમાં શહેર મહિલા પ્રમુખ સમીરાબેન ઘાંચી તેમજ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ કિશનભાઈ ઠાકોર પણ જોડાયા હતા. વેપારીઓ અને વિપક્ષી સદસ્યોની ઉગ્ર રજૂઆત બાદ હવે નગરપાલિકા આ સમસ્યાનો કેવી રીતે ઉકેલ લાવે છે અને મુખ્ય બજારનો રસ્તો ક્યારે ખુલ્લો થાય છે તેના પર સૌની નજર છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
