રાધનપુર ડબલ કહેર: વરસાદ, કેનાલના પાણીથી પાક બરબાદ

રાધનપુરમાં ખેડૂતો પર ડબલ કહેર: ભારે વરસાદે પાક ડૂબાડ્યો, મોટી પીપળીમાં કેનાલના પાણીથી 700 એકર ખેતીને નુકસાન થયાના ખેડૂતોના આક્ષેપ
એક તરફ મેઘમહેર બિજી તરફ તાલુકામા કેનાલના પાણીનો માર: રાધનપુર તાલુકામાં હજારો ખેડૂતોની મહેનત પર પાણી, સરકાર સમક્ષ વળતરની માંગ
રાધનપુરના ખેડૂતોની વેદના : વરસાદથી ખેતરો બેટમાં, મોટી પીપળીમાં કેનાલના પાણીથી પાક નિષ્ફળ જવાનો આક્ષેપ
રાધનપુરમાં ખેડૂતો પર ડબલ આફત: ભારે વરસાદ અને કેનાલના પાણીથી પાક બરબાદ, તાત્કાલિક સહાયની ખેડૂતોની માંગ
કેપિટલ મેસેજ
Capital message
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આ વર્ષે ખેડૂતો પર અભૂતપૂર્વ સંકટ તૂટી પડ્યું છે. એક તરફ અવિરત અને અતિભારે વરસાદે ખેતરોને જળબંબાકાર બનાવી દીધા છે, તો બીજી તરફ મોટી પીપળી ગામના ખેડૂતો નર્મદા વિભાગની કેનાલમાંથી છોડાયેલા પાણીના કારણે સેંકડો એકર ખેતીને નુકસાન પહોંચ્યાનો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. કુદરતી આફત અને કેનાલના પાણીથી થયેલા નુકસાન વચ્ચે ખેડૂત વર્ગ ભારે આર્થિક સંકટમાં સપડાયો છે અને સરકાર પાસે તાત્કાલિક રાહતની માંગ ઉઠી છે.
રાધનપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદના કારણે કલ્યાણપુરા, સાતુંન, ભીલોટ સહિતના અનેક ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી લાંબા સમય સુધી ઊતર્યું ન હોવાથી ઉભો પાક સડી જવાની સ્થિતિ સર્જાઈ છે. ખેતરો ટાપુ જેવા દેખાવા લાગ્યા છે અને ખેડૂતોની મહિનાઓની મહેનત પળવારમાં પાણીમાં વહી ગઈ છે.

ખેડૂતો દ્વારા મોંઘા ભાવે ખરીદવામાં આવેલા બિયારણ, ખાતર, દવાઓ અને ખેતી પાછળ કરાયેલા ખર્ચ છતાં હવે પાક બચી શકે તેવી આશા ઓછી દેખાઈ રહી છે. મગ, તલ, કપાસ, અડદ, તુવેર, બાજરી સહિતના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ઘણા ખેડૂતોના જણાવ્યા મુજબ વીઘા દીઠ હજારો રૂપિયાનું નુકસાન થયું છે, જેના કારણે આગામી સિઝનની ખેતી માટે પણ મૂડીનો પ્રશ્ન ઊભો થયો છે.
આ દરમિયાન મોટી પીપળી ગામના ખેડૂતો દ્વારા નર્મદા વિભાગ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલમાંથી છોડાયેલા પાણીના કારણે ગામના અંદાજે 500થી 700 એકર વિસ્તારમાં પાણી ફરી વળ્યું, જેના કારણે અડદ, તુવેર, બાજરી સહિતના પાક સંપૂર્ણપણે બરબાદ થયા છે. ખેડૂતોનું કહેવું છે કે વરસાદ ઉપરાંત કેનાલના પાણીના કારણે નુકસાન અનેકગણું વધી ગયું છે.

ખેડૂત પરમાર હેમુભા, દિલીપસિંહ સહિતના ખેડૂતો તેમજ કલ્યાણપુરાના ખેડૂત ગંગારામ માવજીભાઈ ઠાકોરે જણાવ્યું કે જો કેનાલનું યોગ્ય સંચાલન કરવામાં આવ્યું હોત તો આટલા મોટા પાયે નુકસાન ટાળી શકાય તેમ હતું. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ ખેતરોમાંથી પાણી બહાર નીકળવાની કોઈ અસરકારક વ્યવસ્થા ન હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક નુકસાનનો સર્વે હાથ ધરવા, પાક વીમાની સહાય ઝડપથી ચૂકવવા, વિશેષ રાહત પેકેજ જાહેર કરવા તેમજ કેનાલના પાણીથી થયેલા નુકસાનની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર સહાય નહીં મળે તો અનેક પરિવારોની આર્થિક સ્થિતિ વધુ કથળશે અને આગામી વાવેતર કરવું પણ મુશ્કેલ બની જશે.
રાધનપુર તાલુકાની હાલની સ્થિતિએ ફરી એકવાર ખેડૂતોની મુશ્કેલીઓ ઉજાગર કરી છે. હવે તંત્ર તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર અને સહાય આપે છે કે નહીં, તેના પર સમગ્ર જિલ્લાના ખેડૂતોની નજર મંડાઈ છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ, પાટણ
