પેટ્રોલ-ડીઝલ માટે હાહાકાર: ઇન્ડિયન ઓઈલ પંપ પર ભારે કતારો

સાંતલપુરમાં પેટ્રોલ-ડીઝલ માટે હાહાકાર, ઇન્ડિયન ઓઈલ પંપ પર ભારે વાહનચાલકોની લાંબી કતારો
ડીઝલની અછત વચ્ચે ટ્રક ચાલકો અને સ્થાનિક વાહનચાલકો પરેશાન, કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાનો વારો
કેપિટલ મેસેજ,ન્યુઝ
Capital message
સાંતલપુર વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલની અછત જેવી પરિસ્થિતિ સર્જાતા ઇન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ પર ભારે વાહનચાલકોની ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને ડીઝલ ભરાવવા માટે ટ્રકો, ટેન્કરો તેમજ અન્ય ભારે વાહનોની લાંબી લાઈનો લાગી જતાં વાહનચાલકો ભારે હાલાકી ભોગવતા જોવા મળ્યા હતા.
પેટ્રોલ પંપ પર સવારથી જ વાહનોની અવરજવર વધી જતાં પંપ પર અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. ટ્રક ચાલકો પોતાના વાહનો સાથે કલાકો સુધી રાહ જોતા નજરે પડ્યા હતા. કેટલાક વાહનચાલકો દ્વારા ડીઝલ સમયસર નહીં મળતાં માલવહન વ્યવસ્થામાં પણ અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
સ્થળ પર મોટી સંખ્યામાં બેરલો અને કેન લઈને આવેલા લોકો પણ જોવા મળ્યા હતા, જેના કારણે સામાન્ય વાહનચાલકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારોના કારણે ટ્રાફિક જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી ડીઝલ અને પેટ્રોલ પુરવઠાને લઈને અનિશ્ચિતતા સર્જાતા લોકોમાં ચિંતા વધી રહી છે. બીજી તરફ ભારે ગરમી વચ્ચે વાહનચાલકોને લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહેવું પડતાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો.
વાહનચાલકો દ્વારા તંત્ર સમક્ષ માંગ ઉઠાવવામાં આવી છે કે પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે અને પરિવહન વ્યવસ્થા પણ પ્રભાવિત ન થાય.
રીપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
