શેઠ એમ.એન. હાઇસ્કૂલ, પાટણના તેજસ્વી તારલાઓ SSC બોર્ડમાં ઝળક્યા : શાળાનું 76.47% જેટલું ગૌરવવંતું પરિણામ

શેઠ એમ. એન. હાઇસ્કૂલના 2 વિદ્યાર્થીઓએ A1 અને 12 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી સંસ્થાની શૈક્ષણિક ગરિમા દીપાવી
ધોરણ 10માં પટેલ સ્વર 98.02 PR અને A1 ગ્રેડ સાથે પ્રથમ, પટેલ ફેના 96.36 PR અને A1 ગ્રેડ સાથે દ્વિતીય નંબરે રહ્યા
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ શહેરની સૌથી પુરાતણી, શિક્ષણ અને શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં સદૈવ અગ્રેસર તેમજ જ્ઞાનની જ્યોતને અવિરત પ્રજ્વલિત રાખનાર ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણના વિદ્યાર્થીઓએ આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ-10 ના બોર્ડના પરિણામમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
સંસ્થાની વર્ષો જૂની શૈક્ષણિક પરંપરાને અનુરૂપ શાળાએ ચાલુ સાલે 76.47% જેટલું ઉચ્ચ પરિણામ હાંસલ કર્યું છે. નોંધનીય છે કે, ગત વર્ષે શાળાનું પરિણામ 59% હતું, જેની સરખામણીએ ચાલુ સાલે પરિણામમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. શાળાની શૈક્ષણિક ગુણવત્તામાં આવેલી આ પ્રગતિ પાછળ વિદ્યાર્થીઓની સખત મહેનત, વિષય શિક્ષકોનું સઘન માર્ગદર્શન અને આચાર્યશ્રી દ્વારા કરવામાં આવેલ કુશળ શૈક્ષણિક આયોજન મુખ્ય પરિબળ રહ્યા છે.
શાળામાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થનાર તેજસ્વી તારલાઓમાં પટેલ સ્વર કલ્પેશકુમારે 98.02 PR અને A1 ગ્રેડ સાથે પ્રથમ સ્થાન, પટેલ ફેના અજયભાઈએ 96.36 PR અને A1 ગ્રેડ સાથે દ્વિતીય સ્થાન તેમજ પ્રજાપતિ ધવલ વિપુલકુમારે 93.95 PR અને A2 ગ્રેડ સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

શેઠ એમ. એન. હાઇસ્કૂલના કુલ 2 વિદ્યાર્થીઓએ ‘A1’ ગ્રેડ અને 12 જેટલા વિદ્યાર્થીઓએ ‘A2’ ગ્રેડ મેળવીને બોર્ડની પરીક્ષામાં શાળાનું નામ રોશન કર્યું છે.
આ ઉપરાંત અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓમાં પટેલ શ્વેત પ્રવીણકુમારે 94.12 PR (A2 ગ્રેડ), પટેલ હિત મગનભાઈએ 93.44 PR (A2 ગ્રેડ), પટેલ જેની પ્રકાશકુમારે 91.43 PR (A2 ગ્રેડ), પટેલ યશ્વી વિપુલકુમારે 90.08 PR (A2 ગ્રેડ), પટેલ શુભ મહેન્દ્રભાઈએ 89.29 PR (A2 ગ્રેડ), પટેલ જીમિત દિનેશકુમારે 86.15 PR (A2 ગ્રેડ) અને પ્રજાપતિ રુદ્ર રાજેન્દ્રકુમારે 85.07 PR (A2 ગ્રેડ) મેળવી શાળાની યશકલગીમાં વધુ એક છોગું ઉમેર્યું છે.
વિદ્યાર્થીઓની આ વિશિષ્ટ સફળતા બદલ ઉત્તર ગુજરાત યુવક મંડળના માનનીય પ્રમુખ ડૉ. જે. કે. પટેલ સાહેબ, મંત્રી મનસુખભાઈ પટેલ સાહેબ, આચાર્ય ડૉ.ધનરાજભાઈ ઠક્કર, સમગ્ર સંચાલક મંડળ તેમજ શાળા પરિવારે તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને અને તેમના માર્ગદર્શક શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામનાઓ વ્યક્ત કરી છે.
