રાધનપુરમાં જનઆક્રોશ ઉગ્ર બન્યો: ગટર, રસ્તા અને પાણીના પ્રશ્ને મહિલાઓ સહિત પાંચ વોર્ડના રહીશોની ભૂખ હડતાળ

વિકાસના દાવાઓ વચ્ચે મૂળભૂત સુવિધાઓ માટે લોકો રસ્તા પર; “કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે”ની ચીમકી
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
રાધનપુર શહેરમાં ગટર વ્યવસ્થા, વરસાદી પાણી ભરાવા, પીવાના પાણીની સમસ્યા, સફાઈનો અભાવ અને ખખડધજ રસ્તાઓના મુદ્દે લોકોનો આક્રોશ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. શહેરના વોર્ડ નં. 1 થી 6ના રહીશો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓએ રાધનપુર નગરપાલિકા સામે મોરચો ખોલી નગરપાલિકા કચેરી ખાતે ધરણાં અને આમરણાંત ભૂખ હડતાળ શરૂ કરી છે.
પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે વર્ષોથી શહેરના અનેક વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. ગટરનું ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળે છે, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, જ્યારે રસ્તાઓની હાલત પણ અત્યંત બિસ્માર બની ગઈ છે. આ ઉપરાંત સફાઈ અને પીવાના પાણીના પ્રશ્નો પણ સતત લોકોને પરેશાન કરી રહ્યા છે.
નગરસેવક જયાબેન ઠાકોરે જણાવ્યું હતું કે શહેરમાં વિકાસના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ સંપૂર્ણપણે અલગ છે. અનેક વિસ્તારોના લોકો આજે પણ પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પ્રશ્નોના નિરાકરણ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

વોર્ડ નં. 1ના આગેવાન જયાબેન સોનીએ જણાવ્યું હતું કે, “લોકોની સહનશક્તિ હવે ખૂટી ગઈ છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાઓ યથાવત રહેતાં અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. જ્યાં સુધી ગટર, રસ્તા, પાણી ભરાવા અને અન્ય પ્રશ્નોનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.”
ધરણાંમાં જોડાયેલી મહિલાઓએ પણ જણાવ્યું હતું કે લાંબા સમયથી ચાલતી સમસ્યાઓને કારણે સામાન્ય જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ હાલાકી ભોગવવી પડે છે. તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી કરીને સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે તેવી તેમની માંગ છે.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન નગરપાલિકા પ્રમુખ ભાવનાબેને અગાઉ રજૂઆત કરવા આવેલા કેટલાક લોકો દ્વારા હુમલાનો પ્રયાસ કરાયાનો આક્ષેપ કરતાં મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. આ નિવેદન બાદ શહેરમાં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે.
હાલ રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે ધરણાં અને ભૂખ હડતાળ યથાવત્ ચાલુ છે. પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય અને કાયમી પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. સમગ્ર મામલે હવે નગરપાલિકા અને જવાબદાર અધિકારીઓ શું નિર્ણય લે છે તેના પર શહેરની નજર મંડાઈ છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
