સાંતલપુરમાં ખુલ્લી ગટર અને ગંદા પાણીની વિકટ સમસ્યાથી લોકો ત્રાહિમામ

તૂટેલા ઢાંકણાં, રસ્તા પર વહેતા ગંદા પાણી અને દુર્ગંધથી સ્થાનિકોમાં ભારે રોષ; શાળાના માર્ગ પર ખુલ્લી ગટર બાળકો માટે બની જોખમ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ગટર વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા ઘણા સમયથી ખુલ્લી ગટર, તૂટેલા ઢાંકણાં, ચોકઅપ થયેલી ગટર લાઈનો અને રસ્તાઓ પર વહેતા ગંદા પાણીને કારણે નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી વધી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારની મુખ્ય ગટર લાઈનના અનેક ઢાંકણાં તૂટી ગયા છે અથવા સંપૂર્ણપણે ખુલ્લા પડી રહ્યા છે. જેના કારણે દિવસ-રાત અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે. ગટર લાઈનો નિયમિત સાફ ન થતાં ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળે છે, જેના કારણે સામાન્ય જનજીવન પર સીધી અસર પડી રહી છે. વાહનચાલકો, વૃદ્ધો, મહિલાઓ અને રાહદારીઓને દરરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ગંદા પાણીના સતત ભરાવાને કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. સાથે જ મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના ચેપી રોગો ફેલાવાનો ભય સ્થાનિકોમાં વ્યાપી ગયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગંદકી અને ખુલ્લી ગટરોને કારણે સ્વચ્છતા અભિયાનના દાવાઓ પણ પોકળ સાબિત થઈ રહ્યા છે.

ખાસ કરીને પ્રાથમિક શાળાએ જવાના મુખ્ય માર્ગ પર આવેલી ખુલ્લી ગટર બાળકો માટે ગંભીર જોખમ ઉભું કરી રહી છે. શાળાએ જતા નાના બાળકો માટે આ માર્ગ જીવલેણ સાબિત થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ અગાઉ પણ અનેક બાળકો અને રાહદારીઓ ખુલ્લી ગટરમાં પડી જવાના બનાવો બન્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.
આ સમગ્ર સ્થિતિના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે વારંવારની રજૂઆતો છતાં સમસ્યાના નિરાકરણ માટે અસરકારક પગલાં કેમ લેવામાં આવતા નથી? નાગરિકોના કરમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં મૂળભૂત સુવિધાઓ જાળવવામાં બેદરકારી કેમ દાખવવામાં આવી રહી છે?
સ્થાનિક રહીશોએ તાત્કાલિક ગટર લાઈનોની સફાઈ, તૂટેલા ઢાંકણાં બદલવા, ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તથા કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. સાથે ચેતવણી પણ આપી છે કે જો વહેલી તકે પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો નાગરિકો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે.
સાંતલપુરમાં ઉભી થયેલી આ ગંભીર પરિસ્થિતિ માત્ર સ્વચ્છતા નહીં પરંતુ જાહેર સલામતી અને આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. હવે જોવાનું એ રહેશે કે સ્થાનિકોની વારંવારની રજૂઆતો અને ઉઠેલા જનઆક્રોશ બાદ તંત્ર આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે કેટલા ઝડપથી અને કેટલી ગંભીરતાથી પગલાં ભરે છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
