ડભોઇ તાલુકાના ગામોના બસ સ્ટેશન જર્જરિત: મુસાફરો રામભરોસે

ડભોઇ તાલુકાના 60 થી વધુ ગામોના બસ સ્ટેશન જર્જરિત ગુજરાત મોડલ વચ્ચે મુસાફરો રામભરોસે
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઇ એક તરફ સરકાર ગુજરાતને આધુનિક અને મોડલ સ્ટેટ તરીકે રજૂ કરી રહી છે ત્યારે બીજી તરફ ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. તાલુકાના ૧૧૮ ગામો પૈકી આશરે ૬૦ થી વધુ ગામોમાં એસ.ટી. બસ સ્ટેન્ડ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.સુવિધાઓનો અભાવ અને જોખમી છત વર્તમાન ઉનાળાની કાળઝાળ ગરમીમાં મુસાફરોને બસ સ્ટેન્ડમાં બેસવા માટે પૂરતા બાંકડા કે છાંયડાની કોઈ સુવિધા નથી. બસ સ્ટેશનોની હાલત એટલી હદે ખરાબ છે કે છત પરથી સિમેન્ટના પોપડા ઉખડીને નીચે પડી રહ્યા છે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ વચ્ચે મુસાફરો જીવના જોખમે બસની રાહ જોવા મજબૂર બન્યા છે. અંદર ગંદકીના ગંજ અને જાળવણીના અભાવે મુસાફરો માટે ત્યાં ઉભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે.તંત્રની નિષ્કાળજી સામે રોષ સ્થાનિકોનો આક્ષેપ છે કે એસ.ટી. નિગમના અધિકારીઓની ઘોર નિષ્કાળજીના કારણે ગ્રામીણ જનતાને ભોગ બનવાનો વારો આવ્યો છે.

એક તરફ એસ.ટી. તંત્ર નવી બસો દોડાવવાની વાતો કરે છે, પરંતુ જ્યાં મુસાફરોએ ઊભા રહેવાનું છે તે બસ સ્ટેન્ડની મરામત માટે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવતી નથી ચોમાસા પહેલા મરામતની માંગ
હાલ ઉનાળાનો સમય હોવાથી મુસાફરો બસ સ્ટેન્ડની બહાર કે ઝાડ નીચે ઊભા રહીને સમય પસાર કરી લે છે, પરંતુ હવે ટૂંક સમયમાં ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે. જો વરસાદ પહેલા આ જર્જરિત ડેપોનું રીપેરીંગ કરવામાં નહીં આવે અથવા નવા બસ સ્ટેન્ડ બનાવવામાં નહીં આવે, તો મુસાફરો પાસે વરસાદમાં પલળવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. તાલુકાના તમામ જર્જરિત બસ સ્ટેન્ડનું તાત્કાલિક સર્વે કરવામાં આવે.
ચોમાસા પૂર્વે છતનું રીપેરીંગ અને બેસવા માટે બાંકડાની વ્યવસ્થા કરવામાં આવે.
બસ સ્ટેન્ડમાં પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધા ઉપલબ્ધ કરાવાય. તેવી માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
