બાસ્પા-દાઉદપુર માર્ગ બિસ્માર હાલતમાં, વાહનચાલકો અને ગ્રામજનો પરેશાન

મોટા ખાડાઓના કારણે અકસ્માતનો ભય, માર્ગનું તાત્કાલિક સમારકામ કરવા ગ્રામજનોની ઉગ્ર માંગ
વિકાસના દાવાઓ વચ્ચે મુખ્ય માર્ગની આવી સ્થિતિ તંત્રની બેદરકારી દર્શાવે છે..!!
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલ બાસ્પા ગામથી દાઉદપુર તરફ જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ પર ઠેરઠેર મોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા અવરજવર કરતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સ્થળોએ રસ્તાની સપાટી તૂટી જતાં વાહનો ચલાવવાનું જોખમી બન્યું છે.
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ બાસ્પા-દાઉદપુર માર્ગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. હવે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે માર્ગની સ્થિતિ વધુ ખરાબ બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં જ માર્ગ પર પડેલા ઊંડા ખાડાઓના કારણે વાહનચાલકોને અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો માટે આ માર્ગ જોખમકારક સાબિત થઈ રહ્યો છે.

આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં ગ્રામજનો, ખેડૂતો, વેપારીઓ, સરકારી કર્મચારીઓ અને શાળાઓ તથા કોલેજોમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ અવરજવર કરે છે. પરંતુ માર્ગની દયનીય હાલતના કારણે મુસાફરી મુશ્કેલ બની ગઈ છે. દ્વિચક્રી વાહનચાલકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત વાહનચાલકો ખાડાઓમાં પટકાતા નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ પણ સર્જાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે વિકાસના દાવાઓ વચ્ચે મુખ્ય માર્ગની આવી સ્થિતિ તંત્રની બેદરકારી દર્શાવે છે.
જો સમયસર માર્ગનું સમારકામ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત તેમજ આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
ગ્રામજનોની માંગ છે કે બાસ્પા-દાઉદપુર માર્ગનું તાત્કાલિક ધોરણે સમારકામ કરી વાહનચાલકો અને સ્થાનિક લોકોને પડી રહેલી હાલાકીમાંથી મુક્તિ અપાવવામાં આવે તેમજ અકસ્માતોની સંભાવનાઓને અટકાવવા જરૂરી પગલાં ભરવામાં આવે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
