રાધનપુરમાં ન.પાલિકાના અણઘડ. વહીવટ સામે વિપક્ષનો અનોખો વિરોધ

શહેરમાં દિન પ્રતિદિન કથળતી જતી પ્રાથમિક સુવિધાઓ – તંત્રની આંખ ખોલવા વિરોધ પક્ષ દ્વારા કટાક્ષપૂર્ણ નામો અપાયા….
કેપિટલ મેસેજ
Capital message
“રાધનપુરમા ગટરથી લઈને રૉડ રસ્તા અને ગંદકી સુધીનાં પ્રશ્નો યથાવત” : જયાબેન ઠાકોરે પાલિકાના બિસ્માર વહીવટનું અનોખું નામકરણ કરી આપ્યું કટાક્ષી નામ
(બોક્સ)
ગંદકી, દુર્ગંધ, અંધારું અને ખાડાવાળા રસ્તાઓને લઈને વિપક્ષનો આક્રોશ : પ્રાથમિક સુવિધાઓ સુધારવામાં નહીં આવે તો કટાક્ષી વિરોધને જનઆંદોલનમાં ફેરવવાની ચીમકી
રાધનપુર : રાધનપુર શહેરમાં કથળતી જતી પ્રાથમિક સુવિધાઓ અને નગરપાલિકાના વહીવટ સામે હવે વિપક્ષે અનોખા અંદાજમાં વિરોધનો મોરચો ખોલ્યો છે. શહેરમાં ઠેર-ઠેર ઉભરાતી ગટરો, રસ્તા પર વહેતા ગંદા પાણી, બંધ સ્ટ્રીટ લાઈટો, જાહેરમાં પથરાયેલો કચરો, મરેલા પશુઓનો યોગ્ય નિકાલ ન થવો, બિસ્માર રસ્તાઓ અને રખડતા ઢોરના ત્રાસ જેવા મુદ્દાઓને લઈને વિપક્ષી સદસ્ય જયાબેન ઠાકોર દ્વારા પાલિકાના વહીવટ પર ધારદાર કટાક્ષ કરવામાં આવ્યો હતો.
પાલિકાના તંત્રનું ધ્યાન દોરવા માટે શહેરના સમસ્યાગ્રસ્ત વિસ્તારો અને પોઈન્ટ્સને જ કટાક્ષપૂર્ણ નામ આપી દેવાયા હતા. સામાન્ય રીતે શહેરમાં વિકાસના કામોના લોકાર્પણના નામ આપવામાં આવે છે, પરંતુ રાધનપુરમાં વિપક્ષે ગટર, ગંદકી, અંધારું અને ખાડાઓને જ “પાલિકાની સિદ્ધિઓ” તરીકે રજૂ કરીને શાસકોની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.
ઉભરાતી ગટરો બની “ગટર રિસોર્ટ & ઝરણાં પોઈન્ટ”
શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભરાતી ગટરો અને રસ્તા પર વહેતા ગંદા પાણીને લઈને જયાબેન ઠાકોરે કટાક્ષ કરતાં આ સ્થળને “રાધનપુર નગરપાલિકા પ્રાકૃતિક ગટર રિસોર્ટ & ઝરણાં પોઈન્ટ” નામ આપ્યું હતું.
રસ્તા પર ગંદુ પાણી વહેતા હોવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતા આકરા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પ્રજાના આરોગ્ય અને સ્વચ્છતા સાથે જોડાયેલા પ્રશ્નો હોવા છતાં તંત્ર દ્વારા અસરકારક કામગીરી કેમ કરવામાં આવતી નથી તે અંગે વિપક્ષે જવાબ માંગ્યો છે.
બંધ સ્ટ્રીટ લાઈટોને આપ્યું “શોક-ડાઉન પોઈન્ટ” નામ

રાત્રિના સમયે અંધારામાં ગરકાવ થતા વિસ્તારોમાં બંધ પડેલી સ્ટ્રીટ લાઈટોની સમસ્યા સામે પણ કટાક્ષ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારોને “નગરપાલિકા પ્રમુખ શોક-ડાઉન પોઈન્ટ” તરીકે ઓળખાવી પાલિકાની સ્ટ્રીટ લાઈટ વ્યવસ્થા પર સવાલ ઉઠાવવામાં આવ્યા.
વિપક્ષનો આક્ષેપ છે કે નગરજનો પાસેથી વેરા વસૂલવામાં આવે છે, પરંતુ રાત્રિના સમયે સુરક્ષિત અવરજવર માટે જરૂરી સ્ટ્રીટ લાઈટો જ બંધ રહેતી હોય તો પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠવા સ્વાભાવિક છે.
કચરો અને મરેલા ઢોર માટે “ગંદકી-દુર્ગંધ સેલ્ફી પોઈન્ટ”
જાહેર સ્થળોએ કચરાના ઢગલા અને મરેલા પશુઓના યોગ્ય નિકાલના અભાવને લઈને પણ પાલિકા પર નિશાન સાધવામાં આવ્યું હતું. આવા સ્થળોને કટાક્ષપૂર્વક “રાધનપુર નગરપાલિકા દ્વારા લોકાર્પણ કરાયેલ નવો વિશેષ ગંદકી & દુર્ગંધ સેલ્ફી પોઈન્ટ” નામ આપવામાં આવ્યું હતું.
મરેલા પશુઓનો સમયસર નિકાલ ન થાય તો દુર્ગંધ સાથે રોગચાળાનું જોખમ પણ ઊભું થઈ શકે છે. તેમ છતાં સફાઈ અને મૃત પશુઓના નિકાલની વ્યવસ્થા સામે સતત ફરિયાદો કેમ ઊઠી રહી છે તેવો સવાલ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.
ખાડાવાળા રસ્તાઓને ગણાવ્યા “અંતરિક્ષ સફર”
રાધનપુરના બિસ્માર રસ્તાઓ અને મસમોટા ખાડાઓને લઈને પણ પાલિકાની કામગીરી પર કટાક્ષ કરવામાં આવ્યો હતો. ખાડાવાળા રસ્તાઓને “પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર પ્રેરિત રાધનપુર અણવહીવટ અને બરબાદી મહોત્સવ” તરીકે ઓળખાવી રોડની હાલત અંગે આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો.
રસ્તાઓની સ્થિતિ એવી છે કે વાહનચાલકોને ખાડાઓમાંથી પસાર થવું પડે છે અને વરસાદ બાદ સ્થિતિ વધુ વિકટ બનતી હોવાનો વિપક્ષનો આક્ષેપ છે. ખાડાઓને ચંદ્રની સપાટી સાથે સરખાવી પાલિકા પ્રજાને રસ્તા પર “અંતરિક્ષ સફર” કરાવી રહી હોવાનો પણ કટાક્ષ કરવામાં આવ્યો હતો.
રખડતા ઢોર સામે “સફારી પાર્ક” અને “ઓપન એર ડાયવર્ઝન ગૌશાળા”

શહેરમાં રખડતા ઢોરના વધતા ત્રાસ સામે પણ અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રખડતા પશુઓના ઝુંડને લઈને “સફારી પાર્ક” અને “ઓપન એર ડાયવર્ઝન ગૌશાળા” જેવા કટાક્ષી નામકરણ કરવામાં આવ્યા હતા.
રસ્તાઓ પર રખડતા ઢોરના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય રહેતો હોવા છતાં સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકા દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે તે અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
“જનતા વેરો ભરે છે, બદલામાં ગંદકી, દુર્ગંધ અને અંધારું મળે છે”
વિપક્ષી સદસ્ય જયાબેન ઠાકોર અને શહેર મહિલા પ્રમુખે પાલિકાના વહીવટ સામે આકરો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાધનપુરની જનતા નિયમિત વેરો ભરે છે, પરંતુ તેના બદલામાં ગંદકી, દુર્ગંધ, અંધારું, ખાડાવાળા રસ્તા અને રખડતા ઢોર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
તેમણે આક્ષેપ કર્યો કે ચીફ ઓફિસર અને પાલિકાના શાસકો દ્વારા પ્રજાની મૂળભૂત સમસ્યાઓ તરફ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. જો તાત્કાલિક ધોરણે ઉભરાતી ગટરો, બંધ સ્ટ્રીટ લાઈટો, મરેલા ઢોરનો નિકાલ, સફાઈ અને બિસ્માર રસ્તાઓની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આ કટાક્ષી વિરોધને વધુ ઉગ્ર બનાવી જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી.
કટાક્ષી નામકરણથી પાલિકા તંત્ર સામે સવાલોનો મારો

વિપક્ષના આ અનોખા વિરોધ કાર્યક્રમને લઈને રાધનપુર શહેરમાં પણ ચર્ચા શરૂ થઈ છે. એક તરફ પાલિકાના વહીવટ સામે કટાક્ષી નામકરણ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે, તો બીજી તરફ હવે નગરજનો પણ પ્રશ્ન કરી રહ્યા છે કે શહેરની પ્રાથમિક સમસ્યાઓનું કાયમી નિરાકરણ ક્યારે આવશે?
ગટર, ગંદકી, સ્ટ્રીટ લાઈટ, રસ્તા અને રખડતા ઢોર જેવા પ્રશ્નો કોઈ રાજકીય મુદ્દા નહીં પરંતુ સીધી રીતે સામાન્ય નાગરિકના રોજિંદા જીવન સાથે જોડાયેલા પ્રશ્નો છે. ત્યારે પાલિકા તંત્ર આક્ષેપોનો જવાબ કટાક્ષથી નહીં પરંતુ જમીન પર કામગીરી કરીને આપશે કે નહીં, તે જોવું રહ્યું.
કટાક્ષી નામકરણ : રાધનપુર પાલિકાના વહીવટ સામે અનોખો વિરોધ
ક્રમ સમસ્યા આપવામાં આવેલું કટાક્ષી નામ
1 ઉભરાતી ગટર અને રસ્તા પર વહેતું ગંદુ પાણી “રાધનપુર નગરપાલિકા પ્રાકૃતિક ગટર રિસોર્ટ & ઝરણાં પોઈન્ટ”
2 બંધ સ્ટ્રીટ લાઈટ અને અંધારાગ્રસ્ત વિસ્તાર “રાધનપુર નગરપાલિકા પ્રમુખ શોક-ડાઉન (અંધારપટ) પોઈન્ટ”
3 જાહેરમાં કચરો અને મરેલા પશુઓ “વિશેષ ગંદકી & દુર્ગંધ સેલ્ફી પોઈન્ટ”
4 બિસ્માર રસ્તા અને મસમોટા ખાડા “પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર પ્રેરિત રાધનપુર અણવહીવટ અને બરબાદી મહોત્સવ”
5 ખાડાવાળા રસ્તા “અંતરિક્ષ સફર પોઈન્ટ”
6 રખડતા ઢોરનો ત્રાસ “સફારી પાર્ક”
7 રખડતા ઢોર માટેનો ખુલ્લો વિસ્તાર “ઓપન એર ડાયવર્ઝન ગૌશાળા”
કટાક્ષનો સંદેશ : “વિકાસના નામે પ્રજાને ગટર, ગંદકી, અંધારું અને ખાડા મળે તો આ છે પાલિકાની ‘વિશેષ સુવિધાઓ’!”
રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
