ચાર મહિનાના બાળકનું જટિલ ઓપરેશન સફળ
જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ધારપુર-પાટણના સર્જરી વિભાગની ટીમની સફળતા
કેપિટલ મેસેજ
Capital message
પાટણ: જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ધારપુર-પાટણ ખાતે સર્જરી વિભાગના તબીબોએ ચાર મહિનાના માસૂમ બાળકનું જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કરી તેને નવજીવન આપ્યું છે. બાળકને પેટમાં અસહ્ય દુખાવો, સતત ઉલટી તેમજ પેટ ફૂલવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યું હતું.
બાળકની તબીબી તપાસ તથા ઇમેજિંગ રિપોર્ટના આધારે તેને ‘ઈન્ટસસસેપ્શન’ (આંતરડું આંતરડામાં ઘૂસી જવું) હોવાનું નિદાન થયું હતું. નાના બાળકોમાં જોવા મળતી આ ગંભીર સ્થિતિ આંતરડાના અવરોધનું મહત્વપૂર્ણ કારણ છે અને તેમાં તાત્કાલિક સારવાર જરૂરી બને છે.
બાળકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સર્જરી યુનિટના વડા ડૉ. કૌશિક કડિયા તથા ડૉ. સાગર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમે તાત્કાલિક સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ દ્વારા લેપ્રોટોમી કરી આંતરડાને સામાન્ય સ્થિતિમાં લાવવામાં આવ્યું હતું. જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થતાં બાળકની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો.
આ સમગ્ર સારવાર દરમિયાન એનેસ્થેશિયા વિભાગના ડૉ. હના મુસા તથા બાળરોગ નિષ્ણાત ડૉ. નેહા શર્માનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. ઓપરેશન બાદ બાળકની તબિયત સંપૂર્ણપણે સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
જટિલ પરિસ્થિતિમાં સમયસર નિદાન અને તાત્કાલિક સર્જિકલ સારવાર દ્વારા બાળકને સ્વસ્થ કરવામાં જીએમઈઆરએસ ધારપુર-પાટણની તબીબી ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.
