15મી ઓગસ્ટે ગુપ્તેશ્વર મહાદેવની મહાપૂજા કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના

અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલા ઐતિહાસિક ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે વિશેષ ધાર્મિક અનુષ્ઠાન
કેપિટલ મેસેજ
Capital message
અરવલ્લી : 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ આગેવાન તથા સિદ્ધપુર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલા ઐતિહાસિક ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુપ્તેશ્વર મહાદેવનો વિશેષ અભિષેક કરી શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ શિવ, શક્તિ અને વિષ્ણુ સ્વરૂપની આરાધના સાથે મા ભદ્રકાળી, ભગવાન ઋષિકેશ અને ભોળાનાથ ગુપ્તેશ્વર મહાદેવની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
આબુ રોડ નજીક ઉંમરણી ગામ ખાતે અરવલ્લીના પર્વતો વચ્ચે આવેલું આ પ્રાચીન મંદિર પાંડવકાલીન હોવાની લોકમાન્યતા ધરાવે છે. કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું આ સ્થળ ધાર્મિક અને ઐતિહાસિક દૃષ્ટિએ પણ વિશેષ મહત્વ ધરાવે છે.
સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસરે મહાપૂજા અને અભિષેક બાદ સમસ્ત વિશ્વમાં શાંતિ, સુખ-સમૃદ્ધિ અને કલ્યાણ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ ધાર્મિક પ્રસંગે ભક્તિમય વાતાવરણ વચ્ચે રાષ્ટ્રપ્રેમ અને વિશ્વ કલ્યાણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
