રાધનપુર-ભાભર હાઈવે પર ગમખ્વાર અકસ્માતઃ ઝાડ સાથે કાર અથડાતાં પાંચ ઘાયલ

બાઈકને બચાવવા જતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો; ત્રણ મહિલા શિક્ષકો સહિત પાંચને ઈજા, બાઈકચાલક પણ ઘાયલ
કેપિટલ મેસેજ
Capital message
પાટણ : રાધનપુર-ભાભર હાઈવે પર કોલ્હાપુર ગામના પાટિયા નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બાઈકચાલકને બચાવવાના પ્રયાસ દરમિયાન કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતના પગલે કારમાં સવાર ત્રણ મહિલા શિક્ષકો સહિત ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જ્યારે બાઈકચાલકને પણ ઈજા થતાં કુલ પાંચ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક ઈજાગ્રસ્તને વધુ સારવારની જરૂરિયાત જણાતા રીફર કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.

અકસ્મતમાં ધરમશીભાઈ ગલાભાઈ પરમાર (ઉંમર 65 વર્ષ), ઝંખનાબેન સવસીભાઈ પરમાર (ઉંમર 34 વર્ષ, સરકારી કર્મચારી/શિક્ષક), શર્મિષ્ઠાબેન દિનેશભાઈ પટેલ (ઉંમર 36 વર્ષ, સરકારી કર્મચારી/શિક્ષક), ધર્મિષ્ઠાબેન રમેશભાઈ પ્રજાપતિ (ઉંમર 31 વર્ષ, સરકારી કર્મચારી/શિક્ષક) તથા બાઈકચાલક સાજનભાઈ ધનજીભાઈ ઠાકોરને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં રાધનપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
